Archive | અન્ય RSS feed for this section

મૃત્યુ

જીવતાં જીવતાં પોતાની જાત પ્રત્યે મરી જવું એટલે કુદરત સાથે એક થઈ જવું પછી શારીરિક મૃત્યુનો ડર ન રહે કે એનું દુઃખ ન થાય. હકીકતમાં શરીરનું મૃત્યુ એ મૃત્યુ જ નથી. આસક્તિનું મૃત્યુ એ જ ખરું મૃત્યુ છે.

સંબંધ

આપણી પોતાની જાત સાથે સંબંધ નથી એટલે ભય અને દુઃખ લાગે છે અને કંટાળો આવે છે. બધી ઈન્દ્રિયોનો સહયોગ મળે, એ માટે સ્વ સાથે સંબંધ થાય એ જરૂરી છે. સંબંધ એટલે સંતુલન, એકતા, સમગ્રતા.

સમજ

કોઈ પણ વ્યક્તિનો આપણે ચિત્તલક્ષી દૃષ્ટિએ ઉપયોગ કરવો નહિ કે કરવા દેવો પણ નહિ. કોઈનાથી પ્રભાવિત થવું નહિ કે પ્રભાવિત કરવા પણ નહિ. આ સમજ જાગતાં હોઈશું તો આવશે અને જીવનમાં સ્થિરતા પણ સાથે આવશે.

વર્તમાન

વર્તમાનમાં આપણે બીજાને સાંભળતા નથી, એટલે આપણામાં સહજત્વ, સરળતા, નમ્રતા આવતી નથી. ખંડિત સાંભળવાથી આપણામાં સ્મૃતિનો સંચય થાય છે અને પછી એના ઉપર મંથન, ચિંતન ચાલ્યા કરે છે, બસ, આપણો વર્તમાન આમાં જ ખર્ચાઈ જાય છે.

પ્રેમ

પ્રેમનું નામ છે આપવું, હંમેશાં આપવું, બધું જ આપવું. પ્રેમમાં લેવાનું હોય જ નહિ અને આપો એટલે મળે જ. આ કુદરતી નિયમ છે. પ્રેમ હંમેશાં પૂરક જ હોય. પ્રેમની શાખા એટલે કરુણા. અપાર કરુણા, પ્રેમ એટલે પારસમણિ. આપવાથી વધતો જ જાય.

શોષણ

સ્વજ્ઞાન વગર જે કાંઈ કરીશું એ વાસ્તવિક રીતે હિંસા અને શોષણને જ ઉત્તેજન આપશે. જેમ કોઈનું શોષણ કરવું ખોટું છે તેમ કોઈને આપણું શોષણ કરવા દેવું તે પણ અયોગ્ય છે. આજે સમગ્ર જગત શોષણ ઉપર નભી રહ્યું છે ત્યારે અલિપ્ત અને શોષણરહિત કેમ જિવાય એ શીખીએ.

પ્રમાદ

પ્રમાદ સૂક્ષ્મ છે, પકડાતો નથી. આપણે આપણા માનસિક પ્રશ્નોને સતત ઠેલ્યા કરીએ છીએ અને એમાંથી પસાર થતાં નથી. પ્રશ્નોને, ફરિયાદોને ઠેલ્યા કરવાથી દિવસે દિવસે વધતાં જાય છે. આપણા પ્રશ્નોના મૂળમાં પ્રમાદ છે. તેને ઓળખીએ.

સ્વની સેવા

બીજાનો ઉદ્ધાર અને સેવા કરવા આપણે જે ધમપછાડા કરીએ છીએ એમાં કદી સાચી માનસિક તૃપ્તિ મળતી નથી. માણસ પહેલાં પોતાની સેવા કરે તો સ્વરૂપને જોઈ શકે. નહિ તો જીવનભર બીજાઓની સેવા કરવા છતાંય અંતરથી ગરીબડા અને ભિખારી જ રહેવાશે.

સલામતી

સમજ એ જ સલામતી. એ સિવાય આ જગતમાં શાંતિ કે સલામતી જેવું કાંઈ જ નથી. આપણી ભીતર જો શાંતિ હશે તો બહાર પણ શાંતિનો અનુભવ થશે. શાંતિ અને સલામતીની શોધ બહાર કરીશું તો એનો અંત આવશે નહિ, સારું જીવન ખર્ચાઈ જશે.

 

તર્ક-વિતર્ક

તાળું મહત્વનું કે ચાવી મહત્વની ? એવા હાસ્યાસ્પદ તર્ક-વિતર્કમાં જીવન વીતી જાય છે. હકીકતમાં બંને જોડાયેલાં છે. જો તાળા વગર ચાવીનું કંઈ મહત્વ નથી તો ચાવી વગર તાળાનું કંઈ મહત્વ હોય ખરું ? તાળું અને ચાવી એકબીજાના પૂરક છે તે વાત તર્ક-વિતર્કથી નહિ પણ અખંડ દૃષ્ટિથી દેખાશે.