Archive | જીવન RSS feed for this section

સમજ

કોઈ પણ વ્યક્તિનો આપણે ચિત્તલક્ષી દૃષ્ટિએ ઉપયોગ કરવો નહિ કે કરવા દેવો પણ નહિ. કોઈનાથી પ્રભાવિત થવું નહિ કે પ્રભાવિત કરવા પણ નહિ. આ સમજ જાગતાં હોઈશું તો આવશે અને જીવનમાં સ્થિરતા પણ સાથે આવશે.

સમગ્રતા

સમગ્રતામાં જીવવું એ જ આપણા જીવનનો સાર છે, એ જ સાચું ધ્યાન છે, સાચું શિક્ષણ છે, સાચી સેવા છે, સાચી આંતરિક યાત્રા છે. આ યાત્રા આખું જીવન ચાલતી રહે છે અને પરિણામે આપણામાં શક્તિ, સ્ફૂર્તિ આવ્યા કરે છે.

વિશ્વાસ

વિશ્વાસ એ જ ભગવાન. જો જાત ઉપર વિશ્વાસ આવે તો બધાના ઉપર વિશ્વાસ આવે. જો પોતાનામાં વિશ્વાસ ન હોય તો કોઈના પર વિશ્વાસ ન આવે. વિશ્વાસ જાગે તો સહજતા આવે, જીવનમાં રિધમ આવે. જીવનમાંથી પસાર થતાં થતાં જ વિશ્વાસ જન્મે છે અને તે ક્ષણિક નહિ, શાશ્વત હોય.

સજાગતા

સજાગ રહેવાનો જો સતત ખ્યાલ રાખવો પડતો હોય તો એ પણ જીવન જીવવામાં અવરોધરૂપ બને છે. પળેપળે મરતાં અને જીવતાં આવડી જાય તો જાગૃત જ રહેવાય. આપણામાં સહજપણે શક્તિ, વિશ્વાસ અને મુક્તિ ભીતરથી પ્રગટે.

શોષણ

સ્વજ્ઞાન વગર જે કાંઈ કરીશું એ વાસ્તવિક રીતે હિંસા અને શોષણને જ ઉત્તેજન આપશે. જેમ કોઈનું શોષણ કરવું ખોટું છે તેમ કોઈને આપણું શોષણ કરવા દેવું તે પણ અયોગ્ય છે. આજે સમગ્ર જગત શોષણ ઉપર નભી રહ્યું છે ત્યારે અલિપ્ત અને શોષણરહિત કેમ જિવાય એ શીખીએ.

પ્રયત્ન

ખોટા પ્રયત્નો કરવાથી આપણા જીવનમાં સ્થિરતા, સમતા આવતી નથી. તેનું કારણ એ છે કે આપણો પોતાનો સ્વભાવ સ્થિરતા ઝંખે છે. સ્વરૂપની અનુભૂતિમાં માનસિક પ્રયત્ન અવરોધરૂપ જ બને.

પૈસાનું પાગલપણું

પૈસાને સહેજ સરખુંય વધારે મહત્વ આપીએ તો પત્ની-બાળકો અને સગાંવ્હાલાંથી જુદા પડી જવાય અને જીવનથી તો જરૂર અલગ થઈ જવાય. પૈસો હોવા છતાં જે ખાલીપણું, એકલતા લાગે છે, એના મૂળમાં પૈસાની લગની અને પૂજા કરવાની હદે પૈસાની તાલાવેલી છે. પૈસો સર્વસ્વ નથી જ, એ સમજી લઈએ.

આધાર

આપણે સંપૂર્ણ રીતે જોઈએ અને સાંભળીએ તો આપણા જીવનમાં માનસિક આધારો, આશાઓ, ઈચ્છાઓનો સ્વયં અંત આવે છે અને મુક્તિની અનુભૂતિ થાય છે. હકીકતમાં આપણે સદા અખંડ જ છીએ, પણ ખંડિત જીવન જીવવા ટેવાઈ ગયાં છીએ, એટલે આધારો શોધીએ છીએ.

જીવનનો સાર

વર્તમાનમાં રહેવું, એ જ સાચું અધ્યાત્મ છે, ધ્યાન છે, સમજ છે, એ જ આપણા જીવનનો સાર છે. નહિતર સત્યને સમજવાની પૂર્વ તૈયારીઓ કર્યા કરવાથી વર્તમાનનો ખોટો વ્યય જ થશે.

સંગ્રહ

સંગ્રહ એ જ સંઘર્ષ. આ વિવેકપૂર્વક સમજવાનું છે. વિવેકપૂર્વક જોવું એ ધ્યાન છે અને સમગ્રભાવે જોવું એ આચરણ છે, નહિતર કાયમ માટે સ્વરૂપથી બહાર રહી, ઔપચારિકતામાં જીવન વીતી જશે.