ભક્તિ એટલે આંતરિક વિકાસ

કોઈ પણ કામ પોતાનું સમજીને કરવાથી આપણા જીવનમાં એકતા તથા ભક્તિ આવશે.

પોતાનું સમજીને કરવું એટલે સમગ્રભાવે કરવું. એથી આપણો આંતરિક વિકાસ થાય છે. આપણામાં બળ આવે છે. જીવન પ્રત્યે વિશ્ર્વાસ આવે છે. જીવન સંગીતમય બને છે.

જીવનમાં પછી કર્મકાંડ કરવાની જરૂર રહેતી નથી.

દરરોજ જે કામ આપણે ફાળે આવે, એ પ્રેમથી કરવું. ધ્યાનપૂર્વક, ચિત્ત દઈને કરવું અને આપણું પોતાનું જ કામ છે, એમ સમજીને કરવું અ સાથે સાથે એ જ રીતે જીવવું.

આમ કરવાથી સહજપણે ભક્તિ, પૂજા અને પ્રાર્થના થાય છે. જે કોઈ પ્રામાણિકપણે જીવતો હોય, એને આવી અનુભૂતિ થયા વગર રહેતી નથી. આ સત્ય છે.

આવું ભક્તિમય જીવન જીવતાં જીવતાં આપણાં વાણી અને વર્તન એક થઈ જશે અને પછી સહજપણે આંતરિક ક્રાંતિનો આરંભ થશે.

આપણે જેવું બોલતાં હોઈએ, તેવું જીવન હોવું જોઈએ. બોલીએ કંઈ અને જીવીએ જુદું, તેનાથી આપણા જીવનમાં સંઘર્ષ આવે છે અને સંઘર્ષ થવાથી અનેક પ્રકારના માનસિક અને શારીરિક રોગો આપણી ઉપર હુમલો કરે.

કુટુંબમાં, સમાજમાં અને બધે જ ભેદભાવ વગર જીવન જીવીએ, એ સાચી ભક્તિ કહેવાય. આ જ સાચો ધર્મ.

આપણે હંમેશાં આપણી જાત સાથે મિત્રભાવે જીવન જીવવાનું છે. તો સામેથી પણ સહયોગ મળશે જ અને આપણામાં આંતરિક શક્તિ આવશે. પછી કોઈ બાહ્ય સંપ્રદાય સાથે જોડાવાની જરૂર નહિ રહે.

પ્રામાણિકપણે આવું ભક્તિમય જીવન જીવવાથી, આપણી અંદરના પ્રશ્ર્નો તથા ફરિયાદોનો અંત આવે છે.

આંતરિક વિકાસનો પાયો નંખાતાં, જીવનમાં સ્વયં સૌંદર્ય પ્રગટે છે.

Tags: , , ,