પરંપરા અને ગુરુ

પરંપરા અને ગુરુની વાતો આપણે કરીએ છીએ, એના કારણે જીવનની હકીકતો અને વાસ્તવિકતાઓ સાથે આપણે છટકી જઈએ છીએ. આ સૂક્ષ્મ વાત છે. છટકબારી શોધીએ છીએ, એ આપણે જલ્દી નજરે ન ચઢતી ભૂલ છે, આપણો વિવેક જાગૃત નથી, એનો પણ પુરાવો છે.

જીવન દરમિયાન પરંપરાની વાતો કરવાથી આપણો ‘હું’ મોટો થાય છે અને આપણી સંવેદનશીલતા બુઠ્ઠી થઈ જાય છે. પરિણામે, સારુંચ જીવન દુઃખ અને ભયમાં ગાળીએ છીએ.

જ્યાં સુધી આપણને આપણી આ ભૂલ દેખાશે નહિ, ત્યાં સુધી આપણે હંમેશાં વિરોધાભાસમાં જીવન જીવ્યા કરીશું અને આપણા અહમ્ ને પોષણ મળવાથી, જીવનભર અહમ્ આપણી ઉપર રાજ કરશે અને એના દોરવાયા, આપણે દોરવાઈ જઈશું.

જિંદગીમાં ‘હું’ ની રમત બહુ અટપટી હોય છે. વાસ્તવિકતાઓ અને હકીકતોથી છટકી જવામાં આપણો ‘હું’ આપણને સાથ આપે છે. એટલે ‘હું’ ને મહત્વ આપ્યા કરવાથી, આપણે સત્યની નજીક ક્યારેય જઈ શકતા નથી.

આપણે જીવનભર બીજાની વાતોમાં જ રસ લઈએ છીએ. ચર્ચાઓ અને વિવાદો કરીએ છીએ. એથી નુકસાન આપણને જ થાય છે એનો ખ્યાલ આવતો નથી.

બીજાની નિંદા કે પ્રશંસા કરીને, આપણે આપમા અહમ્ ને મોટો કરીએ છીએ. આ બધું શિક્ષણ આપણને પરંપરામાંથી મળ્યું છે અને પરંપરાને આપણે કાયમ વળગી રહીએ છીએ.

પરંપરાને કારણે ઉપલક સત્ય અને ઉપરછલ્લું જીવન જ જિવાય છે. યાત્રા ને સંશોધન અટકી જાય છે.

આપણે પોતે સંશોધન માટે સજાગ રહીએ તો સત્યનાં દર્શન દૂર નથી. આ સૌ માટે શક્ય છે.

Tags: , , ,