જોવું અને સાંભળવું

સમગ્ર રીતે જોવાથી અને સાંભળવાથી આપણા જીવનમાં સત્યનો અનુભવ થાય છે. સમગ્ર રીતે જોવું અને સાંભળવું એટલે રાગદ્વેષ વગર, માન્યતા વગર, સહજા નિર્લેપ ભાવે જોવું અને સાંભળવું.

ઘણુંખરું સમગ્ર જીવન આપણે ઊંઘમાં કે બેહોશીમાં જ વિતાવીએ છીએ. એટલે જાગ્રત રહીને, સહજ રીતે સમગ્રભાવે સાંભળીએ તો આપણા જીવનમાં અવધાન તથા સ્થિરતા સ્વયં આવે છે. આ અનુભૂતિ થવાથી આપણે જીવનને જ મહત્વ આપીએ ઝીએ અને જીવન સંગીતમય બને છે. પછી બાહ્ય સંગીત સાંભળીએ કે ન સાંભળીએ – ઝાઝો ફરક પડતો નથી.

સહજ રીતે સાંભળવાથી બધા અવાજો, ઘોંઘાટ સંગીત બની જાય છે. અને જીવન સહજતાથી આનંદમય જિવાય છે અને ખૂબ શાંતિથી પૂરું થાય છે.

આ આપણું સાચું ધ્યેય છે, કર્મ છે, સાધના છે, તપ છે.

આ વાતમાં આપણે સહુને, સમગ્રને આવરી લેવાનાં છે. બધાની સાથે તો જ પ્રેમ-ભાવથી સહજપૂર્વક યાત્રા ચાલે છે.

નિરીક્ષક બની નિરીક્ષણ કરવું, એ આપણા જીવનનો સાર છે. વિચારક એ જ વિચાર અને દ્રષ્ટા એ જ દૃશ્ય – બન્ને એક જ છે. તેનો અનુભવ જીવન જીવવાથી અને જીવનનું પોતાનું પુસ્તક વાંચવાથી થાય છે. વ્યવહારમાં પણ પ્રામાણિક અને યોગ્ય જીવન જિવાય છે.

જીવનમાં સમગ્ર રીતે જોવું અને સાંભળવું એ બહુ મહત્વનું છે. તેમાં પોતાને પણ તટસ્થભાવે સાંભળવાની વાત સમાઈ જાય છે.

સાંભળવાથી આપણા જીવનમાં વિવેક, પ્રવાહિતા અને ગતિશીલતા સ્વયં આવે છે. એથી આપણને હંમેશા સ્ફૂર્તિની, શાંતિની, ઠંડકની અનુભતિ થાય છે. અને જીવન પળે પળે ધન્ય લાગે છે.

રોજ નવી રીતે જોવાથી અને સાંભળવાથી આપણે સ્વયં બદલાતા હોઈએ છીએ. આ કળા છે. જીવનની કળા છે. જીવનમાં પ્રાપ્ત કરવા જેવી કળા છે.

આ કળા સહજ અને સરળ છે. પછી કોઈ પ્રશ્ર્નો કે ફરિયાદો જીવનમાં રહેતાં નથી.