જ્ઞાત-અજ્ઞાત

અત્યારે આપણે જ્ઞાતમાં જીવીએ છીએ કે અજ્ઞાતમાં, એ આપણે નક્કી કરવાનું છે. જો અત્યારે જ્ઞાતમાં જીવતા હોઈશું તો પછી પણ જ્ઞાતમાં જ જીવવાના અને અત્યારે અજ્ઞાતમાં જીવતા હોઈશું તો જીવનભર અજ્ઞાતમાં જ જીવવાના.

જ્ઞાત એટલે ભૂતકાળ, આપણે પોતે ભૂતકાળ રૂપ છીએ. જન્મથી મૃત્યુ સુધી આખું જીવન ભૂતકાળમાં ચાલ્યું જાય છે.

અજ્ઞાત વિશે આપણે વિચારશીલ થતા નથી. જો વિચારશીલ થઈએ તો અજ્ઞાત કે ભૂતકાળ જેવું કશું છે જ નહીં.

અંધકાર જાય એટલે પ્રકાશ છે જ. અંધકારને જોઈને રડ્યા કરીએ, એને બદલે કોડિયાની વાટને સંકોરીને પ્રકાશ કેમ ન ફેલાવીએ? આપણે આપણી અંદર જાતમાં પ્રવેશીને આવો દીવો પ્રગટાવવાનો છે. તો ધીરે ધીરે જ્ઞાત-અજ્ઞાત બન્નેથી ઉપર ઉઠાશે.

જ્ઞાતને જોવા-સાંભળવાથી વર્તમાનમાં જિવાશે અને સમગ્ર રીતે જોવા અને સાંભળવાથી અજ્ઞાત સાથે જ્ઞાત પણ ખરી પડશે.

ખરેખર તો આપણે અજ્ઞાત છીએ પણ વિચારો જન્મે છે, એની સાથે જ જ્ઞાત ઊભું થાય છે. એને નિર્લેપભાવે આપણે જોતા અને સાંભળતા નથી એટલે જ્ઞાત આપણી અંદર ઘર કરી જાય છે અને સ્મૃતિઓ, પ્રશ્નો વગેરેની મનમાં ખેલકૂદ ચાલ્યા કરે છે. પરિણામે, ભીતરથી આપણે સીમિત બની જઈએ છીએ અને સમગ્ર જીવન જ્ઞાત-અજ્ઞાતના ચક્કરમાં પૂરું થાય છે.

Tags: