શબ્દ ખુલ્લો કેવી રીતે થાય

શબ્દોને આપણે વધારે કે ઓછું મહત્વ આપીએ તો આપણને પોતાના સ્વરૂપનું દર્શન થતું નથી.

શબ્દ વસ્તુ નથી, હકીકત નથી, શબ્દ અનુભવ કે અનુભૂતિ નથી.

‘ભગવાન’ શબ્દ તે ભગવાન નથી, પણ આપણો માનસિક પ્રયત્ન શબ્દોથી જ સમજવાનો હોવાથી, શબ્દોથી પર જવાતું નથી. કારણ કે આપણે શબ્દોને વધારે મહત્વ આપીએ છીએ. વધારે મહત્વ આપવાથી તે મૂળ હકીકતમાંથી છટકી જાય છે. વાસ્તવિકતા કે ભાવ પકડમાં આવતાં નથી.

સમગ્ર જીવન ઊંઘમાં વિતાવીએ અને શબ્દોને જ પકડી રાખીએ તો, જીવનભર અથડાતા ને કૂટાતા રહીશું અને આપણે પોતે ઊભાં કરેલાં સુખદુઃખ માટે બીજાઓને દોષ આપ્યા કરીશું. આપણી પોતાની જવાબદારીમાંથી આપણે છટકી જઈશું અને બીજાને નિમિત્ત બનાવવાથી આપણા જીવનમાં વધારે ગૂંચવાડો ઊભો થાય છે.

આપણે શબ્દોની રમત શબ્દો વડે રમતા હોવાથી, આપણી ભૂલ કદી જોતા નથી. બીજાની ભૂલો જ શોધ્યા કરીએ છીએ.

આ આપણું છીછરાપણું અને ખાલીપણું છે. ઉપલકીયા જીવનથી પછી આપણને ક્યારેય સંતોષ થતો નથી.

શબ્દો તો માત્ર સંકેત છે. એક અણસાર છે. શબ્દો નથી હકીકત કે નથી સત્ય. શબ્દને સર્વસ્વ માની લેવાની ભૂલ આપણે કરીએ છીએ. એટલે શબ્દની સાચી સમજ આવતી નથી અને શબ્દ સ્વયં ખુલ્લો થતો નથી.

જો આપણે શબ્દને યોગ્ય મહત્વ આપીએ તો શબ્દ સ્વયં જાત સમક્ષ ખુલ્લો થાય છે અને શબ્દો દ્વારા અનુભવના પ્રદેશમાં પણ પહોંચાય છે.

શબ્દ આપણને સોનાના પિંજરામાં કેદ કરી શકે તો એ જ શબ્દ આપણને મુક્તિ પણ અપાવી શકે. આ વાત બરોબર સમજીએ.

Tags: