ખાલીપણું અને એકલતા

આપણને વિચાર ઉપર આધાર રાખવાની ટેવ પડી ગઈ છે. એટલે આંતરિક ક્રાંતિ આવતી નથી અને જીવનમાં ખાલીપણું અને એકલતા લાગે છે.

આમાંથી ઊગરવાનો કોઈ માર્ગ ખરો? પહેલાં તો એ સમજી લઈએ કે વિચાર ઉપર આધાર રાખવો એટલે વિચાર કહે એમ કરવું. વિચાર જ્યાં લઈ જાય ત્યાં જવું. વિચાર જ્યાં દોરી જાય ત્યાં દોરાવું.

વિચાર કહે એમ કરવાથી વિચારને અને સાથે સાથે ‘હું’ ને પોષણ મળે છે અને જીવનભર અહંકારવશ રહી, વિચાર જ્યાં ખેંચી જાય ત્યાં ખેંચાઈએ છીએ.

વિચારોમાં જીવવાથી આપણી ભીતર સહજતા નથી આવતી. કૃત્રિમ અને નકલી જીવનનો ઢસરડો ખેંચવા જેવું થાય છે. પરિણામે, શક્તિઓનો વ્યય કરી, ભય અને દુઃખને જીવનમાં નોતરીએ છીએ.

આ આપણી અજ્ઞાનતા છે. વિચાર આવે છે એટલે પ્રશ્ન ઊભો થાય છે અને પછી વધુ વિચાર કરીને પ્રશ્નને વધારે ગૂંચવીએ છીએ. વિચારના દોરાયા દોરવાઈએ છીએ એટલે જીવન સમગ્ર વિરોધાભાસમાં ગાળીએ છીએ. રાગદ્વેષ પ્રગટતા રહે છે.

વિચાર આવે છતાં કોઈ પોષણ ન આપીએ કે પ્રતિભાવ ન પ્રગટ કરીએ તો વિચાર આપોઆપ સરકી જાય છે અને કાયમ માટે ખરી પડે છે.

કોઈપણ વિષય કે ક્ષેત્ર સંદર્ભે આવતા વિચારોને તટસ્થ ભાવે અને નિર્લેપપણે જોઈએ અને સાંભળીએ તો એ વિચારો સ્વયં ખરી પડે છે.

વિચારોની સાથે આશક્ત થવાથી જ આશાઓ અને ઈચ્છાઓનો અંત આવતો નથી. પરિણામે, જીવન અધૂરું, અસંતોષી અને ખાલી લાગે છે.

હકીકતમાં જીવન તો અખંડ અને ભર્યું ભર્યું છે. વિશાળ છે. આનંદથી નિરંતર ઊભરાતું પાત્ર છે. એવો સ્વયં અનુભવ થશે.

Tags: ,