માનસિક આધાર એટલે જીવનનો ભાર

કોઈપણ માનસિક આધાર આપણા જીવનમાં છે, ત્યાં સુધી જીવનમાંથી ભય અને દુઃખ જશે નહીં. આટલી વાત હૃદયમાં કોતરી રાખીએ.

માનસિક આધારથી આપણે ભીતરનો વિકાસ સાધી શકતા નથી અને જીવનમાં આગળ વધી શકતા નથી. સમગ્ર જીવન અનેક પ્રકારના આધારોમાં અને અવલંબનોમાં વીતી જાય છે.

જપ-તપ, ધ્યાન, ગુરુસેવા પણ સૂક્ષ્મ પ્રકારના માનસિક આધારો છે.

આ બધા માનસિક આધારોને એકવાર હૃદયથી સમજીએ અને તેની સાથે સમ્યક સંબંધ રાખીએ એટલે ધીરે ધીરે માનસિક આધારોથી પર ઉઠાય છે અને આવા આદારો આપોઆપ, સ્વયં ખરી પડે છે.

આ સાચી સમજ છે. નહિતર સમગ્ર જીવન દરમિયાન માનસિક આધારો આપણા ઉપર ચડી બેસે છે. અને પછી આપણને આધાર વગર જીવવાનું મુશ્કેલ લાગે છે.

આધાર એટલે ચિત્તલક્ષી, કાલ્પનિક સલામતી. માનસિક આધાર અને એ વડે લાગતી સલામતીનો અંત આવે, એ ક્ષણથી જ જીવનનો સાચો, ખરેખરો આરંભ થયો ગણાય.

જે સહજ રીતે જીવે છે, એને આ વાતનો પ્રત્યક્ષ અનુભવ થાય છે.

માનસિક આધારોને કારણે આપણે પંગુ રહીએ છીએ. આપણામાં સ્વતંત્ર વિચારશીલતા આવતી નથી. વિચારશીલ ન બનીએ, એટલે જીવન પ્રત્યે સંવેદનશીલતા પણ ગુમાવીએ છીએ.

ધીરેધીરે જીવમાં એક પ્રકારની જડતાનાં મૂળ ફેલાતાં જાય છે. જીવન નીરસ અને કંટાળાભર્યું લાગે છે.

આપણે જીવનમાં સીધો અને સાચો રસ લઈએ અને હકીકતોથી ભાગી ન છૂટીએ તો આધારો ખોખલા થઈ જઈ, ખરી પડશે.

આપણા પોતાના ઉપર એવો દૃઢ વિશ્વાસ આવશે કે કોઈ પણ પ્રકારના આધાર વગર આપણે જીવનનો આરંભ કરી શકીશું, નહિતર આધાર જીવનનો ભાર બની રહેશે.

Tags: ,