શાંતિ, શક્તિ, સ્ફર્તિ હંમેશા વર્તમાનમાં

વર્તમાનમાં શાંતિ, શક્તિ સ્વયં હોય છે. આનો અનુભવ જે નિરંતર વર્તમાનમાં જીવે છે એને થાય છે.

વર્તમાન એટલે સમગ્રતા.

વર્તમાનમાં કોઈ પ્રશ્ન હોતો નથી. વિચાર આવે છે, માટે પ્રશ્ન જન્મે છે. વર્તમાનમાં વિચારોને સમગ્રપણે જોઈએ અને સાંભળીએ તો કોઈ પ્રશ્ન ક્યારેય ઊભો થશે નહિ.

વર્તમાનમાં જીવતાં આવડી જાય તો આંતરિક રીતે સ્વયં વિશાળતામાં જ જિવાય. વર્તમાનમાં નથી જીવતા એટલે નાના બનીએ છીએ અને વિચારો આપણા ઉપર ચઢી બેસે છે.

આપણી કોઠાસૂઝ હોય તો વિચારો આપણા ઉપર એમનું રાજ ન કરે. એટલે વિચારોને હંમેશાં વર્તમાનમાં જ જોવા અને સાંભળવા જોઈએ. તો વિચારો આપોઆપ ખરી પડે, એવું સ્પષ્ટ દર્શન આપણને થશે.

વર્તમાનમાં કોઈ થાક, દુઃખ, ભય હોતાં નથી, વર્તમાન એટલે એકતા-સમતા સમત્વ. એમાં બીજો કોઈ ભાવ હોતો નથી. એટલે હંમેશા ધ્યાન-અવસ્થા અને પરમ શાંતિ હોય છે.

સમગ્ર જીવન ધ્યાન બની જાય, જો આપણે વર્તમાનમાં જીવીએ તો ! આ જ આપણા જીવનનો સાર છે, હેતુ છે.

વર્તમાનમાં પ્રામાણિક રીતે જીવન પસાર કરીએ તો બધી ઔપચારિકતાઓ ખરી પડે છે અને સત્યનું દર્શન થાય છે. સત્ય પોતાનું બને છે, આત્મસાત્ થાય છે. આપણામાં અખૂટ આત્મબળ આવે છે. તેથી જીવન સૂરીલું અને સંગીતમય બને છે.

વર્તમાનમાં જીવવાથી ખંડિત જીવન અખંડ બની રહે છે અને અખંડતામાં જીવવાથી પ્રશ્નો અને ફરિયાદોનો અંત આવે છે. હરેક પળે શાંતિ, શક્તિ અને સ્ફૂર્તિનો અનુભવ થાય છે.

Tags: ,