મુક્તિદાતા શક્તિ તો મૌનમાં જ

મૌન એ જ શક્તિ અને મુક્તિ. મૌનમાં રહેવાથી મુક્ત થવાય છે.

મૌનમાં રહેવું એટલે મોઢું ચસોચસ બંધ રાખી કશું બોલવું નહિ, એવો અહીં અર્થ નથી. મૌનમાં રહેવું એટલે સંતુલનમાં, સ્થિર અને શાંત રહેવું. આ ભીતરનું સાચું મૌન છે.

શાંત અને સમતામાં રહેવાથી સંવેદનશીલતા પ્રગટ થાય છે. સંવેદનશીલતાથી જીવનની ઊંડી સમજ આવે છે અને જીવન સમગ્ર ઊંડાણથી જીવવાનું બને છે.

બીજાની સાથે વાદવિવાદ થાય તર્ક થાય કે સરખામણી થાય ત્યારે મૌનનો અંત આવે છે. અને જીવનમાં એક પ્રકારની જડતા પ્રવેશે છે. પછી સારાખોટાનો કે સાચા-ખોટાનો વિવેક જતો રહે છે.

હકીકતમાં આપણામાં બીજાઓ પ્રત્યે કોઈ પૂર્વગ્રહ કે સૂગ હોતાં નથી. પણ મનની વાચાળતાથી સૂગ અને ભય પ્રગટે છે. વિચારો આવે એ મનની વાચાળતા. મન શાંત બને, એ મનનું મૌન. પછી મન ન ચાલે. એટલે ઊંડાણમાં ઊતરવાનો અનુભવ થાય. આવો અનુભવ કરવો એ સ્વયં એક અદ્ભુત વાત છે.

આ અદ્ભુત અનુભવમાં સ્પષ્ટ દર્શન થાય કે દ્રષ્ટા અને દૃશ્ય એક જ છે. જેમ પાણી અને મોજાં જુદાં નથી તેવી જ રીતે વિચારક અને વિચારને જુદા પાડી શકાય નહીં.

આ જોવું, વર્તમાનમાં રહેવું એ મૌન વડે થયેલું ધ્યાન છે. આ વિશે વિચારશીલ હોય એમને સતત સંશોધન કરવું જોઈએ.

Tags: , , , ,