મનને પણ મુક્ત થવું ગમે છે

જીવન વિશે મેં લખવાનો આરંભ કર્યો ત્યારે મને એવું લાગતું હતું કે આ બધું બીજા માણસોને કામમાં આવશે. પણ હું જોઉં છું કે વધારે લાભ તો મને પોતાને જ થાય છે. મારો અહમ્ મુક્ત થાય છે. એટલે પહેલો લાભ મને થાય છે, પછી બીજાઓને.

હકીકતમાં બીજો છે જ નહિ એટલે આમ તો હું મારા આનંદ માટે લખું છું એમ કહેવાય. જેમ પક્ષીઓ ગીતો ગાય છે, એમ હું આનંદથી લખું છું.

લખીએ, વિચારશીલ રહીએ તો વિશાળતા તરફ ગતિશીલ બનવાનો અનુભવ થાય છે અને રોજ નવું નવું સંશોધન પણ થાય. ભીતરમાં પ્રવેશીએ એટલે જાત સાથે એકતા સધાય અને સહજરૂપે પ્રેમ-કરુણાની ધારા વહે.

એક વાત નક્કી છે કે એવી કોઈ વ્યક્તિ નથી, જે પ્રેમથી ન જીતી શકાય. એટલે પ્રેમનો દરવાજો ક્યારેય આપણે બંધ ન કરીએ.

મન સાથેય પ્રેમભરી મિત્રતા જ હોય. દમન-શમનથી મન અવળું ફંટાય કે વિફરે. જેમ બાળકને આપણે ઠપકો આપીએ તો એ ઘરેથી ભાગી જાય, તેવી જ રીતે મનને ઠપકાથી નહી, પણ પ્રેમથી સમજીએ તો મન આપણી આગળ ખુલ્લું થાય. પછી તો મન જ આપણને બધું બતાવશે. અને મનમાં અનુભવાતો ભય પણ ચાલ્યો જશે.

મનને પણ મુક્ત થવું ગમે છે, એ કદી ન ભૂલીએ. પણ આપણે મનને શાંતિથી સાંભળતા જ નથી. જો સાંભળીએ તો હંમેશાં હળવાફૂલ જ રહીએ.

Tags: ,