વિચારને સાંભળીએ તો સમય ઓગળે

આજે હું સમયની વાત કરવા માંગુ છું. ઘડિયાળ બતાવે છે, એ સમયની વાત નથી કરતો. હું માનસિક સમય વિશે થોડું કહીશ.

સમય જન્માવે છે આપણું મન. જો સમય ન હોય તો ભય ન હોય, સલામતી ન હોય. જો મહિના પછી મૃત્યુ હોય તો ભય નથી રહેતો, માત્ર મૃત્યુનો અનુભવ, શાંતિ પ્રેરતો અનુભવ જ હોય છે. આ સમજવા જેવું છે.

વિચારને ધ્યાનપૂર્વક સાંભળીએ તો સમય રહેતો નથી. એટલે સમય જ દુઃખ, ભય, અસલામતી, પીડા, પ્રશ્નો ઊભા કરે છે.

આપણે પ્રામાણિકપણે જીવન જીવીએ અને અખંડ વહેતા જીવનમાંથી પસાર થઈએ તો સમય અને મન, બન્નેની ઉપર ઉઠાય.

મન ખંડિત છે એટલે સમયને પણ આપણે ખંડખંડમાં વહેંચી દઈએ છીએ, એટલે સમય ઉપર આધાર રાખીને જીવી શકાય નહિ, કારણ એવું જીવન એટલે છેતરામણી.

સમયનો મર્યાદિત, યોગ્ય ઉપયોગ છે. જેવી રીતે નામનો ઉપયોગ આપણી સામાજિક ઓળખાણ માટે છે. પણ ‘નામ’ એ ખરેખર આપણી સાચી ઓળખ નથી.

સમય આપણે બનાવ્યો છે. બધા દેશોનો સમય અલગ અલગ છે. એ આપણે જાણીએ છીએ. હકીકતમાં આવતીકાલ જેવું કશું હોતું નથી. આવતીકાલ એ આપણા મને ઉપજાવી કાઢેલી સમય આધારિત સ્થિતિ છે. કારણકે, જીવન અને સમય બન્ને અખંડ છે.

આ સત્ય જીવન જીવવાથી જ સમજાય છે અને આ સત્ય સમજવા આપણે સજાગ રહી, આપણા વિચારોને બરોબર સાંભળીએ.

Tags: , ,