અખંડપણે જોવું એટલે રાગ-દ્વેષ વિના જોવું

પૂર્ણ અને અખંડપણે જોવાથી જીવનમાં ભય લાગતો નથી. અખંડપણે જોવું એટલે રાગ-દ્વેષ વગર જોવું, તટસ્થ બન્નેને જોવું અને આ રીતે જોવું, એ જ આચરણ, એ જ દર્શન.

આવું દર્શન થાય તો જીવનમાં કોઈ ભેદભાવ કે કોઈ સ્વાર્થ રહે નહિ. અને સહજરૂપે જીવન જીવવાની કળા આપણા હાથમાં આવી જાય. પછી તો જીવનમાં કોઈ પણ પ્રકારના રાગ-દ્વેષ વિના રમી શકીએ. પછી કોઈ બંધન નડે નહીં. અને કોઈને બાંધવાની ઇચ્છા પણ નિર્મૂળ થાય.

જીવનમાં પ્રથમવાર મુક્તિનો અણસાર મળે, અને આ જ સાચું શિક્ષણ છે. જે મુક્ત કરે.

જન્મથી મૃત્યુ સુધી શીખવાનું છે અને શિષ્ય રહેવાનું છે, વિદ્યાર્થી બનવાનું છે. આ શિક્ષણનો ક્યારેય અંત ન હોય. એટલે જીવનમાં નિરંતર ઉત્સાહ અને સ્ફૂર્તિ રહે.

જીવન તો અજ્ઞાત છે અને સમજવા માટે આપણી પાસે કોઈ સાધન નથી, કોઈ રસ્તો નથી. જે સાધનો અને રસ્તાઓ છે એ બધા જ મર્યાદિત છે. જીવન અખંડ છે અને એ જ જીવનની ખૂબી છે.

જીવન સમજાતું જાય તેમ તેમ જ જગતમાં, સંસારમાં રહીએ. કુટુંબમાં રહીએ છતાં અલિપ્ત રહેવાની કળા સહજ સાધ્ય અને આપણી મતિ મુક્તિ તરફની થાય.

આપણી જીવનયાત્રા એ જ મુક્તિની યાત્રા છે, એ રહસ્ય સમજાઈ જાય.

Tags: , ,