જે શૂન્ય અને ખાલી, એ જ સાચા સમૃદ્ધ

આપણે ભીતરથી ખાલી-શૂન્ય અને શાંત બની જઈએ તો જ જીવનના બધા રંગો જોઈ શકીએ અને બધા રસ અનુભવી શકીએ. આ લખાય છે, રમાય છે, ગવાય છે અને આનંદ પ્રગટ થાય છે, એનું સાચું રહસ્ય ખાલીપણું છે.

જીવનનો કોઈ ભાર નથી કે જીવનમાં કોઈ ભાર નથી. એટલે થાક શબ્દ અજાણ્યો છે. થાક કદી લાગતો નથી. એટલે કશેક પહોંચવું કે લક્ષ્ય હાંસલ કરવું, એવી ઝંઝટ કે અધીરાઈ નથી.

હકીકતમાં આપણે મુક્ત જ છીએ. પણ મુક્ત થવું છે, એવો વિચાર કરીએ તો અવરોધ ઊભો થાય.

વિચારનો પણ વિરોધ કરી શકાય નહિ. વિચારને પણ પ્રેમ અને આદરથી જોવાનો હોય. વિચારને જોઈએ, સમજીએ એટલે કોઈ ભેદભાવ કે વિરોધ કે અવરોધ રહે નહીં.

હૃદયની આવી સાચી સમજ આવે તો ક્યારેય જીવનમાં તનાવ-ટેન્શન લાગે નહીં.

જીવન જીવતાં જીવતાં આટલુંય ન સમજાય તો ઉંમર વધવા સાથે નાના બનાય અને ચંચળતા, અશાંતિ વધતી રહે.

બાહ્ય રીતે કોઈને હોશિયાર-સ્માર્ટ અને અનુભવી લાગીએ પણ હૃદય મન તો અશાંત જ રહે. જીવનમાં ખાલીપણું લાગે. કારણકે ઉંમર વધતાં સાચા અર્થમાં ખાલી કે શૂન્ય થવાને બદલે આપણે જગતનો ભાર અને કચરો ઠાંસીઠાંસીને ભરીએ છીએ.

આખી દુનિયા ફરીએ પણ પોતાની નજદીક ન આવીએ તો ગમે એટલી સમૃદ્ધિ હવા છતાં ગરીબ અને નમાલા અને કૃપણ જ રહીશું. આ બરોબર સમજીએ.

Tags: ,