નિત્ય નૂતન અને મૌલિક રહીએ

આપણને સેકન્ડહેન્ડ માણસો તરીકે જીવવાનું કેમ સદી ગયું છે, એ સમજાતું નથી.

સેકન્ડહેન્ડ એટલે બીજો, બીજો એટલે અહમથી દોરાયેલો, કલ્પનામાં જીવતો કે પોતાનો જ પડછાયો.

કલ્પનાઓમાં અને આશાઓમાં આપણે જીવન જીવવા ટેવાઈ ગયા છીએ. એટલે પોતાની જાત સાથે પણ સંબંધ બંધાતો નથી. પરિણામે, જીવનમાં પ્રેમ અને એકતાનો કદી અનુભવ થતો નથી. છતાં આપણે હંમેશાં બીજાઓ પાસેથી પ્રેમની આશા-અપેક્ષા રાખીએ છીએ અને નિરંતર આશાને આધાર બનાવી જીવન જીવીએ છીએ.

આશા એટલે કાલ્પનિક આધાર. આધારોનો અંત આવે ત્યારે જ જીવન જીવવાનો સાચો આરંભ થાય અને જીવન સમજાય.

જીવન ગતિશીલ છે એટલે આશાઓ, આધારોની પકડ છૂટી જાય તો વર્તમાનમાં વહેતી પળોમાં જીવન જીવવાનું બને અને વર્તમાન એટલે સમગ્રતા. સમગ્રતા એ જ આપણો ઈશ્વર, સ્વયં તૃપ્ત હોય છે, કોઈની ઉપર આધાર રાખતો નથી.

રોજ રોજ, પળેપળ નિત્ય નવું અને આપણું પોતાનું મૌલિક જીવન જીવવા માટે આપણે સ્વતંત્ર છીએ. આ પળે અત્યારથી જ ધારીએ તો આરંભ થઈ શકે.

Tags: , ,