જીવનમાં સંતોષ અને સુગંધ

જીવનમાં કશુંક બનવા, કશુંક થવાનો આગ્રહ રાખીએ છીએ અને એ માટે શિક્ષણ અને તાલીમ લઈએ છીએ. છતાં જીવનમાં કદી સંતોષનો અનુભવ થતો નથી.

હકીકતમાં કશુંક બનવા – થવાનો જીવનમાં અંત જ આવતો નથી. એક ઇચ્છા પૂરી થતાં નવી નવી ઇચ્છાઓ જન્મે છે અને આપણા પ્રયાસો, દોડધામ ચાલુ જ રહે છે.

જીવન કુદરતમય છે, એટલે નદી કે ફૂલ જેવું હળવું અને સહજ હોવું જોઈએ. જેમ નદી કે ફૂલને કોઈ આગ્રહ કે હેતુ હોતો નથી, એમ જીવનમાં પણ હોવું જોઈએ. તો સંતોષ અને સુગંધનો અનુભવ થાય અને આ જ જીવનનો સાચો હેતુ છે, સાચું ધ્યેય છે.

જીવનમાં કોઈથી પ્રભાવિત થવું નહિ કે કોઈને પ્રભાવિત કરવા નહિ. તો જીવનમાં ખોટા આગ્રહો અને ઇચ્છાઓનો અંત આવશે.

જીવનમાં સાદાઈ આવે તો જીવન સૂર અને સંગીતમય બને. જીવન ભર્યું ભર્યું લાગે. વર્તમાનમાં પળે પળે જીવન જિવાય તો સાદાઈ આવે. બાહ્ય સાદાઈની આ વાત નથી; આંતરિક સાદાઈની વાત છે; એથી જીવનમાં આપોઆપ સુગંધ અને સૌંદર્ય ફેલાય છે.

સાદાઈને કારણે ધીરે ધીરે જીવનમાં સ્થિરતા અને સંતુલનતા આવે છે અને જીવન મુક્તિની દિશામાં ગતિ કરે છે.

Tags: , ,