કમળની જેમ અલિપ્ત રહીએ

આ જગત આપણું પ્રતિબિંબ છે. આપણે હસીએ, તો સામેની વ્યક્તિ પણ હસશે. આપણે ગુસ્સે થઈશું, તો સામેથી વધારે ઉગ્ર ગુસ્સાની લાગણી વહેશે. ગાળો દઈશું તો ગાળો ખાવી પડશે.

જગત આપણી જ પ્રતિક્રિયાઓનો અંત આવે ત્યારે જ જીવનનો આરંભ થાય અને પછી જીવનમાં સહજતા, સરળતા, આનંદ સ્વયં આવે.

ફરિયાદો, પ્રતિક્રિયાઓ, આગ્રહો આ બધું આપણી સ્મૃતિમાંથી આવે છે. ભૂતકાળ આપણા ઉપર રાજ કરે છે અને વર્તમાનમાં જીવવાની ચાવી લઈ લે છે.

એક વાર વર્તમાનમાં જીવવાનો આરંભ થઈ જાય તો ભૂતકાળ ખરી પડે. એટલે જીવનમાં નવીનતા આવે, પળે પળે આપણો પુનર્જન્મ થાય.

આ જોવું તે સાચુ ધ્યાન છે. ધ્યાન એટલે સમજ, વિવેક, જાગૃતિ પળેપળની જાગૃતિ. જે આ પળમાં છે તે સત્ય છે, એવી અનુભૂતિ.

વર્તમાનની પળમાં આપણે શાંત રહીએ તો બીજા અને સમગ્ર જગત આપણી સાથે શાંત રહેશે. આપણે પળેપળ બદલાતા જઈશું તો બીજાઓ પણ બદલાશે. હું વારંવાર કહું છું કે હકીકતમાં બીજો કોઈ છે જ નહીં, એક જ છીએ.

આ વાત સમજાય તો જગતમાં નિરંતર રહેવા છતાં કમળની જેમ અલિપ્ત રહેવાય અને ફરિયાદો, પ્રતિક્રિયાઓનો અંત આવે પછી જીવનમાં કોઈ સ્વાર્થ, પ્રલોભન કે પ્રયોજન રહે નહીં.

જીવન સમગ્ર શાંતિથી અને આનંદથી છલોછલ રહે.

Tags: ,