જીવનમાં પ્રતિક્રિયા / વિરોધાભાસ

આપણે દરરોજ પ્રતિક્રિયાઓમાં અને વિરોધાભાસમાં જીવન જીવતા હોઈએ છીએ. જો આપણે પોતાની ભૂલ હૃદયથી સ્વીકારીએ તો આપણા જીવનમાં મંથન અને માનસિક પ્રયત્નનો સ્વયં અંત આવે છે, એવો અનુભવ થાય છે.

આપણને પોતાના જીવનમાં રસ હોવાથી દરરોજ સહજપણે ધ્યાન અપાય છે અને જીવન સ્વયં આપણી જાત આગળ ખુલ્લું થતું જાય છે. તેથી જીવન સંગીતમય બની જાય છે અને ભવિષ્ય અજ્ઞાત હોવા છતાં જીવન પ્રત્યે ઉત્સાહ અને વિસ્મયનો ભાવ સતત જાગ્રત રહે છે. રોજે રોજ નવું નવું સમજાતું હોવાથી જીવનની યાત્રાનો આપણને આનંદ રહે છે. આનંદ સ્વયંભૂ પ્રગટ થવાથી જીવનસરિતા જેવું વહેતું, સરળ બની જાય છે, ગતિશીલ રહે છે. અને ગતિમાન બનવાથી આપણામાં શક્તિ, સ્ફૂર્તિ, વિશ્વાસ, વિજય…. આ બધું સ્વયં આવતું હોય છે. આપણા જીવનમાં અજવાળું પથરાઈ જાય છે. અજવાળામાં અંધારું ગાયબ થઈ જાય છે.

જ્યાં અંધકાર છે ત્યાં પ્રકાશ પ્રગટતાં અંધકાર દૂર જ થાય. એટલે આપણે અંધકારને સમગ્ર ભાવે, સમગ્ર ઈન્દ્રિયોથી જોવાનો અને સાંભળવાનો છે. સમગ્ર રીતે વર્તમાનમાં જોવાથી આપણી પ્રતિક્રિયાઓ અને વિરોધાભાસો વિશાળતામાં, અખંડતામાં સમાઈ જાય છે. કહેવત છે કે સમજ્યો તે સમાઈ ગયો ! પછી જ આપણે સમગ્રતામાંથી, અખંડિતતામાંથી સહજપણે વાતચીત કરી શકીએ. એ બધું મૌલિક અને સહજ હશે. પછી શબ્દો, વિચારો સાધન બની જશે.

મુક્તિની યાત્રામાં વિચારો, શબ્દો, સાધનરૂપ છે. તે નજીકમાં નજીક છે તેની સાથે રાગદ્વેષ કરાય નહીં. વિચારો અને શબ્દો ઉપર ભાર મૂકવાથી હકીકત વાસ્તવિકતામાંથી છટકી જવાય છે. આ વિશે આપણું ધ્યાન નહિ હોવાથી આપણે ઉપલક, સપાટી પૂરતું, છીછરું જીવન જીવતા હોઈએ છીએ. છીછરું જીવન જીવવાથી જિંદગીભર ભય અને દુઃખ આપણને સતાવતા રહેવાના.

ભય અને દુઃખ જેવા શબ્દો તે વાસ્તવિકતા નથી; શબ્દો જ છે. હૃદયની સાચી સમજણ કેળવાય તો શબ્દો બાંધે નહિ. શબ્દોનો યોગ્ય ઉપયોગ આપણે કરી શકીએ. પછી શબ્દ એક સાધન બની જાય છે અને સાધન એ જ સાધ્ય. આ બન્ને એક થઈ જવાથી આપણામાં સ્વયં ક્રાંતિ આવે છે. આંતરિક રીતે એક થયા વગર આ રહસ્ય ખૂલતું નથી. કારણ કે આપણે અંદરથી એક જ છીએ. કોઈનાથી જુદા રહેવાય તેવું નથી.

જીવન એ જ સંબંધ, વ્યક્તિ એ જ સમષ્ટિ, આપણે જ વિશ્વ છીએ. વિશ્વનું બીજું કોઈ કેન્દ્ર એ તો અહમ્.

આપણે એકબીજાથી જોડાયેલા છીએ. માનવમન એક જ છે, પછી તે કોઈ પણ દેશનો નાગરિક હોય. એટલે પોતાને સમજ્યા વગર બીજાને સમજી શકીએ નહીં. પોતાને સમજીએ તો બધાને સમજી શકીએ. પછી વિરોધાભાસ, પ્રતિક્રિયા, દ્વંદ્વો… બધાંનો અંત આવે છે અને આપણા જીવનમાં સ્વજ્ઞાન થાય છે. એકતા આવે છે. એકતા આવવાથી આ રહસ્ય ખુલ્લું થાય છે અને આપણા આ જીવનમાં જ પુનઃજીવનની અનુભૂતિ સ્વયં થાય છે. એટલે જીવતાં જીવતાં મરીએ તો આ જગતમાં સ્વર્ગ છે, શાંતિ છે, સલામતી છે.

જ્યાં હોઈએ ત્યાં પ્રેમપૂર્વક શાંતિથી જીવીએ તો આપણી અંદર અને બહાર શાંતિ જ છે. આવી સમજ આવવાથી પ્રતિક્રિયાઓ, વિરોધાભાસ, દ્વંદ્વ રહેતાં નથી. કોઈ માનસિક પ્રશ્ન કે ફરિયાદ રહેતા નથી અને શાંતિથી જીવન સ્વયં જિવાય છે. આ જ આપણા જીવનનો સાર છે.

Tags: