વિચારક એ જ વિચાર

જો આપણે વિચારોને વધારે મહત્વ આપીએ તો આપણા પોતાના સ્વભાવથી જુદા રહેવાય છે, કારણ કે વિચાર આપણાથી જુદો નથી. આનો અનુભવ યોગ્ય રીતે જીવન જીવવાથી થાય છે.

વિચારોને મહત્વ આપી જીવન નિરંતર વિચારોનાં વર્તુળોમાં જીવીશું તો સાચા, આંતરિક આધ્યાત્મિક જીવનથી હંમેશાં દૂર જ રહીશું.

વિચારોને મહત્વ આપવાથી સરળ જીવનને આપણે જાણીબૂઝીને અઘરું અને અટપટું બનાવીએ છીએ.

સત્ય તો સહજ છે, સરળ છે, સ્વયં સ્પષ્ટ છે; પણ આપણે શબ્દોને, વિચારોને વ્યક્તિઓને વધારે પડતું મહત્વ આપીને સ્વ-રૂપથી જુદા પડીએ છીએ અને બીજાઓ સાથે પણ આંતરિક એકરૂપતા આવતી નથી.

આપણે ભાગે આવેલાં કામો સહજ, સરળ બનીને કરીશું તો આધ્યાત્મિક જીવનનો અનાયાસ આરંભ થશે અને સત્ય સ્વયં ખુલ્લું થશે. સત્યને પામવા કે આધ્યાત્મિક જીવન જીવવા આપણે અલગ ખાસ, સમય ફાળવવાની પણ જરૂર રહેતી નથી, આધ્યાત્મિક જીવન વિશે આપણામાં ગેરસમજ અને અવિવેક હોવાથી, આપણે એને અલગ જીવન બનાવી દઈએ છીએ. પરિણામે આધ્યાત્મિકના નામે આપણામાં સૂક્ષ્મ રૂપે અને સ્થૂળ રૂપે જડતા પ્રવેશે છે.

આપણા જીવનનું પુસ્તક આપણે પોતે જ વાંચીએ તો વિચારોની પકડમાંથી મુક્ત બની શકાય.

ખરેખર વિચારક અને વિચાર જુદા નથી. એક જ છે, એના વિશે વાતો અને ચર્ચાઓ કર્યા કરવી. એ એક પ્રકારનું પાગલપન છે.

વાતો કર્યા કરવાથી આપણે આપણી જાતથી જુદા પડી જઈએ છીએ.

વિચારોને વળગવાથી ગમા-અણગમા અને પૂર્વગ્રહો પણ જન્મે છે. એટલે જીવનમાં ક્યારેય સાચા સુખનો કે એવા સુખની તૃપ્તિનો અનુભવ થતો નથી.

Tags: ,