સત્ય પામવાની કોઈ પદ્ધતિ નથી

સત્ય સમજવાની કોઈ રીત કે પદ્ધતિ નથી. ઊટલું, રીત અને પદ્ધતિ સત્ય સમજવામાં અવરોધ છે. છતાં આપણે રીત ને પદ્ધતિમાં જ રચ્યાપચ્યા રહીએ છીએ અને તેના આધાર ઉપર સમગ્ર જીવન જીવીએ છીએ.

એકબીજા સાથે સત્ય સંદર્ભે જાતજાતના તર્કવિતર્ક કર્યા કરીએ છીએ અને એકબીજાની પદ્ધતિઓ વિશે અને એમના માર્ગની વાતો ચર્ચાઓ કરીને, વાસ્તવિકતામાંથી પલાયન થઈએ છીએ.

આ આપણા મનની ભ્રાંતિ છે, અને એના કારણે સમગ્ર જિંદગીમાં આપણે દ્વંદ્વોમાં પીલાઈએ છીએ.

આપણા પોતાની કોઠાસૂઝ કે આંતરિક સમજનો ક્યારેય ભરોસો નથી રાખતા એટલે ભીતરના ઊંડાણમાં પ્રવેશવાનું બનતું નથી. જીવનભર બાહ્ય વિષયોમાં અને વાતોમાં આપણી જાતને અને જીવનને હોમી દઈએ છીએ.

જો સત્ય સમજવાની સાચી તાલાવેલી હોય તો રીત અને પદ્ધતિ કદાય સાધન તરીકે લેખે લાગે.

આપણે આપણી સંવેદનશીલતા અને આંતરિક કોઠાસૂઝનો ઉપયોગ કરતા નથી એટલે સત્યનો સ્પર્શ થતો નથી. આપણે પોતાની જાત ઉપર વિશ્વાસ કરવાને બદલે બીજાના તર્ક ઉપર વધારે વિશ્વાસ કરીએ છીએ, એ આપણી ભૂલ છે.

તર્ક દ્વારા તૈયાર થયેલી રીત અને પદ્ધતિને મહત્વ આપીશું તો જીવનભર સત્યની ઝાંખી નહીં થાય અને જીવન સમગ્ર ભારને બોજારૂપ બની જશે.

જીવન હકીકતમાં નિત્ય નૂતન અને અનાયાસ વહેતું છે. એ જીવનને રીત કે પદ્ધતિના ચીલે કે ખીલે બાંધવાથી તો જડતા આવે અને સત્ય દૂર સરકી જાય.

આપણે સાચા અર્થમાં જાણીશું તો આ વાત સહજ રીતે સમજાશે. બાકી તો ભટકવાનું રખડવાનું જ રહેશે.

Tags: