જીવનમાં તૃપ્તિની અનુભૂતિ

આપણું મન જો નિરંતર પ્રશ્નો અને ફરિયાદો કરતું રહેશે તો આપણી પાસે અઢળક સંપત્તિ અને બધાં ભૌતિક સુખો હસે તોપણ જીવનમાં તૃપ્તિનો અનુભવ નહીં થાય.

ક્યારેય નિરાંત કે આરામ જેવું નહીં લાગે એટલે વિચારીએ કે પ્રશ્નો અને ફરિયાદો આખરે કોણ કરે છે ? આપણું મન. આપણું મન શા માટે કાયમ પ્રશ્નો અને ફરિયાદો જ કરે છે, એ આપણે શોધી કાઢવું જોઈએ.

આવું સંશોધન કરીએ, એ આપણા જીવનનો સાર અને હેતુ છે.

આપણી ભીતર જે આત્મ-તત્વ છે, એ કશાનો વિરોધ કરતું નથી. ફરિયાદો કે પ્રશ્નોય એને નથી. હકીકતમાં આપણો અહમ્ ‘હું’ જ આ બધું કર્યા કરે છે.

આપણે કર્તા બનીએ છીએ એટલે પ્રશ્નો અને ફરિયાદો જન્મે છે. અને સારા જીવન દરમિયાન ચાલુ રહે છે. કર્તા એટલે મન-અહમ્-‘હું’.

આ હું અહમ્-મન પણ આપણાથી ભિન્ન નથી. પણ આપણે પોતે એને વધારે મહત્વ આપીએ છીએ એટલે આપણા પોતાના સ્વભાવથી અને સ્વરૂપથી જુદા રહીએ છીએ.

હકીકતમાં, મન-અહમ્-હું-વિચાર-આત્મા-ચેતન આ બધા જ શબ્દો છે અને શબ્દ એ કાંઈ હકીકત કે સત્ય નથી. પણ આપણે આ બધા શબ્દોનો અર્થ આપણી પોતાની સીમિત અને મર્યાદિત સમજથી કરીએ છીએ. તેથી જીવન સમગ્ર શબ્દોમાં કે મને પ્રેરેલા વિચારોમાં જ જિવાય છે.

મન રમતો રમતું હોય ત્યારહે સહજ એવી તૃપ્તિનો અનુભવ થતો નથી. મન આપણને નિરાંત કે આરામનો અનુભવ પણ થવા દેતું નથી.

મન કહે એમ કર્યા કરીએ તો જડતા આવે પણ જીવન જેવું છે, એવું જીવીએ. તો સદા તૃપ્તિનો અનુભવ થાય.

Tags: , ,