આધારનો અંત, જીવનનો આરંભ

માનસિક રીતે આધારોનો અંત આવે ત્યારે જ જીવનનો આરંભ થાય છે અને આંતરિક મુક્તિ તરફ આપણી ગતી થાય છે.

આ આપણા જ હાથની વાત છે. આપણને સાચી ભૂખ અને તાલાવેલી હોય તો માનસિક રીતે બધા જ આધારો વિના સ્વતંત્ર, મુક્ત જીવી શકાય.

આળસ આપણો સહુથી પહેલો મોટો શત્રુ છે. એટલે જીવનભર મુક્તિના માર્ગે વળતા નથી. આળસને કારણે આપણે જીવન બેહોશીમાં વિતવીએ છીએ. જાગતા જ નથી. કોઇ ઢંઢોળે તોય પાછા ઊંઘીએ છીએ. એટલે કદી વિચરશીલ થતા નથી.

જીવનભર બીજાના આધરે આપણે આપણી જીવનનાવ હંકાર્યા કરીએ છીએ.

બીજાના આધારે જીવન જીવવાથી આપણામાં મૌલિક સંવેદનશીલતા અને સાહસિકતા આવતી નથી. કાયમ પાંગળા રહીએ છીએ. જાત ઉપરનો વિશ્વાસ કદી જન્મતો જ નથી. પરિણામે, આપણુ જીવન ભયમાં અને દુઃખમાં વીતે છે.

આ આપણી અજ્ઞાનતા છે. આપણે અજ્ઞાની છીએ. એની પણ આપણને જીવનભર જાણ થતી નથી.

બીજા ઉપર આધાર રાખવાથી ક્ષણિક હૂંફ કે ટેકો મળે છે. પણ પછી આધાર લઈને જીવવાની આદત પડી જાય છે. આધાર વિના એકલ-અટૂલા પડી જઈએ છીએ. આપણને ક્ષણભર ચાલતું નથી.

બધા જ સ્થૂળ અને સૂક્ષ્મ આધારો આપણું શોષણ કરે છે. બ્લેક મેઇલ પણ કરે છે. પછી આપણે ભાગીએ છીએ. પહેલાં એકરૂપ થઈએ, પછી ભાગવા મથીએ – એવું બને છે.

આધારોનું આ ચક્ર જીવનભર ઘૂમ્યા કરે છે.

સમગ્ર રીતે જો આ વાતને વર્તમાનમાં જોઈએ અને સાંભળીએ તો આ બધા આધારો છૂટી જાય છે અને સત્યના દર્શનની ઝાંખી સાથે મુક્ત થવાના માર્ગે આપણી સહજ ગતિ થાય છે.

Tags: , , , , ,