કોઈનો ઉપયોગ કરતાં પહેલાં વિચારીએ

આપણે પોતાના સંતોષ કે સ્વાર્થ ખાતર બીજાનો ઉપયોગ કે ઉપભોગ કરીએ તો આપણી મૌલિક વિચારશીલતા છૂટી જાય છે.

આપણે સતત સલામતી અને બીજાના આધાર ઉપર જીવન જીવવા ટેવાઈ ગયા છીએ. એટલે નિરંતર અન્ય વ્યક્તિઓ કે એમના વિચારોનો ઉપયોગ કર્યા કરીએ છીએ.

બાહ્ય સલામતીમાં જીવવાથી ભય કે દુઃખ કદી દૂર થતાં નથી અને આપણા પોતાના જીવનનું પુસ્તક કદી ઉઘાડતા કે જોતા નથી. હંમેશાં બીજાઓ ઉપર, પારકા ઉપર અનેક પ્રકારની આશાઓ રાખીએ છીએ. કહેવત છે કે પારકી આશ સદા નિરાશ. આપણી પોતાની સમજ અને શક્તિથી સ્થિર, અડગ ઊભા રહેવાની આપણે આદત પાડતા નથી.

કોઈ વ્યક્તિનો ઉપયોગ કરવાથઈ આપણને હંમેશાં નીરાશા જ મળવાની. બીજું કોઈ આપણને સંતોષ આપી શકે જ નહીં અને એથી આપણું પોતાનું અજ્ઞાન પણ દૂર થશે નહીં.

આપણે કદી એ પણ નથી વિચારતા કે બીજાનો ઉપયોગ કરવાથી આપણે એમનું જાણે કે અજાણે શોષણ કરીએ છીએ અને એવું શોષણ તો આપણને જ સરવાળે નુકસાન કરે અને પછી સમગ્ર જીવન દ્વંદ્વોમાં વિતાવવાની પરિસ્થિતિ આવે.

ઉપયોગ કે ઉપભોગ કરતી વેળા આપણને ખ્યાલ નથી આવતો કે આપણે કેવા જડ બનતા જઈએ છીએ.