સ્વ-ભાવમાં રહેવું એ જ સાચી આધ્યત્મિક્તા

આપણા પોતાના સ્વભાવમાં રહેવું એ જ સાચી આધ્યાત્મિક્તા કહેવાય. કારણકે સ્વભાવમાં રહેવાથી પુનર્ જીવન થાય છે. જીવન સંગીતમય બને છે. આ આપણા સમગ્ર જીવનનો સાર છે.

સ્વભાવમાં રહેવું એટલે સ્વરુપમાં રહેવું અને સમગ્રતામાં જીવવું. આ સાચું જીવવું છે. બાકી કેવળ યાંત્રિક શ્વસવું કહેવું. આ ભક્તિ છે. સાચું ધ્યાન છે.

સ્વભાવમાં નહીં રહેવાથી આપણા જીવનમાં માનસિક તણાવ-ટેન્શન આવે છે. અને સત્ય ને સમજવા માતે માનસિક રીતે પ્રયત્ન કરવથી સ્વભાવની અને સ્વરૂપની બહાર રહેવાય છે. પછી તો આખું જીવન અન્યના પ્રભવ હેઠળ આપણે જીવી જઈએ છીએ.

પ્રભાવ એટલે પરભાવ. બીજાનો ભાવ. બીજાના ભાવમાં જીવવાથી આપણામાં ક્રુત્રિમતા અને યાંત્રિકતા પ્રવેશે છે. એટલે સમગ્ર જીવન ભયભીત બની, દુઃખી બની પસાર થાય છે.

આપણે આ જગતમાં કે સંસારમાં પોતાના પગ ઉપર ઊભા રહી શકતા નથી. પોતાની આગવી, મૌલિક કોઠાસૂઝ અને સમજ નહીં હોવાથી, જીવનમાં અથડામણ અને સંઘર્ષ સાથે જીવવાનું બને છે.

સાચી આધ્યાત્મિકતા એટલે જાતઅનુભવ. બીજો કહે તેની કિંમત કોડીની પણ નથી. પછી એ બીજો ભલે ગમે એટલો સામાજિક ક્ષેત્રે કે આધ્યાત્મિક ક્ષેત્રે મહાન હોય.

વક્તા ક્યારેય મહત્વનો નથી. મહત્વનો હોય છે, હંમેશાં શ્રોતા-સાંભળનાર. સાંભળીને જાતે આચરણમાં મૂકનાર.

જે જીવનમાં યોગ્ય રીતે, પ્રામાણિક રીતે જીવે છે તે મહત્વનું છે. મહત્વ તો નાનામાં નાના આચરણનું છે. તો જ જીવનમાં સંતોષ અને તૃપ્તિ મળે.

શબ્દો સંતોષ કદી ન આપી શકે. આપણું આચરણ જ તૃપ્તિ આપશે. કેવળ વાતો કરવાથી મળતો ક્ષણિક સંતોષ કદાચ મળે, પણ પછી એનીય આદત પડી જાય છે.

સ્વભાવમાં જે જીવે, તે જ નિરંતર સજાગ રહીને જીવી શકે, આ બરોબર સમજવાનું છે.

Tags: