કેવળ હોવું કે કશુંક બનવું

આપણે બધા આંતરિક રીતે એક જ છીએ પણ માનસિક રીતે કશુંક-કાંઈક બનવાના પ્રયત્નો કરવાથી, આપણે પોતાના સ્વરૂપથી જુદા રહેવાય છે.

આ આપણી અસમજ છે. આપણને જીવનભર કશુંક બનવાનો, કશુંક મેળવવાનો અને કશુંક થવાનો ધખારો રહે છે. એ માટે જીવનભર પ્રયાસો કરતા રહીએ છીએ. અને એનો કદી અંત આવતો નહીં હોવાથી આપણે ભયમાં તથા દુઃખમાં જીવન વિતાવીએ છીએ. અને છતાંય આપણી આશાઓ ને ઇચ્છાઓનો કદી અંત આવતો જ નથી.

આશાઓ અને ઇચ્છાઓ જીવનની છેલ્લી ક્ષણ સુધી અધૂરી રહી જાય છે. અને સિત્તેર-એંશી વર્ષ જાણે બેહોશી અને ઊંઘમાં જ પૂરાં થઈ જાય છે.

ઊંઘમાં જીવન જીવવાથી જીવનનો સાચો હેતુ પાર પડતો નથી અને આપણે જાણતાં કે અજાણતા કુટુંબમાં, સમાજમાં અને દેશમાં વૈચારિક પ્રદૂષણ ફેલાવીએ છીએ. આ આપણી અજ્ઞાનતા અને આપણો અવિવેક છે.

કશુંક બનવાનો, થવાનો પ્રયત્ન કરવાથી આપણો ‘હું’ – અહમ્ પુષ્ટ થાય છે અને સાથે દુઃખો પણ જન્મે છે. પ્રયત્ન કરીએ એટલે વળતર ને બદલાની આશા જન્મે. એ ન મળે તો શક્તિનો વ્યય થવા સાથે હેરાન-પરેશાન અને હતાશ બની જઈએ છીએ. આનો અંત જ નથી આવતો.

આવા બધા પ્રયાસોમાં આંતરિક સ્વરૂપનિષ્ઠ જીવન જીવવાનો કદી આરંભ થતો જ નથી.

જીવન જીવવાનો આરંભ કરીએ તો કુદરત એનું કામ કરશે જ, પ્રયત્ન કરવો પડતો નથી. સહજ, સરળ પ્રયત્ન અને પુરુષાર્થ થાય જ.

સત્યના દર્શન માટે સહજ જીવન જીવવાનો અને સમજવાનો આરંભ કરીએ.

Tags: