તર્ક એટલે ગૂંચવાડો

આપણે ઘણુંખરું બુદ્ધિનો ઉપયોગ તર્ક તથા દલીલો કરવામાં કરીએ છીએ. તેથી આપણે આપણા મૂળ સ્વભાવથી અને સ્વરૂપથી જુદા પડી જઈએ છીએ.

જાતનો સ્વબચાવ અને જાતથી સંતાકૂકડી રમવામાં બુદ્ધિનો આપણે ઉપયોગ કરતા હોવાથી જીવનભર આપણી જ બુદ્ધિ આપણને જાતજાતની રમતો રમાડે છે અને પછી તો આપણને પણ મજા આવે છે અને એક આદત બની જાય છે.

બુદ્ધિ આપણા ઉપર રાજ કરે અને આપણે ચાકરની જેમ એના તર્ક-વિતર્કોમાં રાચ્યા કરીએ, એવું બને છે.

બુદ્ધિથી જ સમજાય, એ જ સમજવું એવું જડ વલણ આવી જાય છે. બુદ્ધિ ઉપર આવો આધાર રાખવાથી સત્યની માત્ર વાતો જ થાય છે. પણ સત્ય જિવાતું નથી કે એનું દર્શન પણ થતું નથી.

બુદ્ધિ ખંડિત હોવાને કારણે ક્યારેય આપણે અખંડ દર્શન કરી શકતા નથી અને સત્ય તો અખંડ છે. એટલે કેવળ બુદ્ધિ ઉપર માનસિક આધાર રાખીએ, એ આપણી ભૂલ છે.

બુદ્ધિનો યોગ્ય ઉપયોગ છે પણ આપણે બુદ્ધિ સાથે એકરૂપ તથા આશક્ત થઈ જઈએ છીએ. એટલે વિવેક જાગૃત રહેતો નથી અને બુદ્ધિના દોરવાયા રાગદ્વેષના ચક્કરમાં ફસાઈ જઈએ છીએ. પરિણામે જીવનમાં જડતા આવે છે.

પરિણામે જીવનભર બુદ્ધિ બતાવે, એ પ્રમાણે બાહ્ય શોધ ચાલ્યા કરે છે. ભીતરનું સંશોધન કદી થતું નથી. એની સાથે અનેક આશાઓ અને ઇચ્છાઓ તો નિરંતર વળગેલાં જ રહે છે. જીવન આખું વેડફાઈ જાય છે.

પ્રમાદ અને આળસ આપણને સતત ઘેનમાં રાખે છે. હૃદયની સાચી સમજ આવતી નથી અને જીવનના અંતે આપણું પોતાનું જીવન ક્યારેય ન ઉકેલી શકાય એવી ગૂંચ અને ગૂંચવણભર્યું બની જાય છે.

આંતરિક યાત્રાનો આરંભ જ થતો નથી. છતાં મુક્તિની વાતો અને તર્કવિતર્કો આપણે કર્યા કરીએ છીએ.

Tags: , ,