અસંતોષમાંથી સંતોષનું પ્રવેશદ્વાર

આપણને સૌને અનુભવ છે કે આપણા જીવનમાં કાં તો કાયમી, કાં તો અવારનવાર અસંતોષ આવે છે, પણ આપણે અસંતોષને દાબી દઈએ છીએ કે બુઝાવી નાંખીએ છીએ. પરંતુ જો આપણે એના તરફ પૂરેપૂરું ધ્યાન આપીએ તો અસંતોષમાંથી સંતોષ તરફ આપણા જીવનની ગતિ થાય છે.

આ માટે આપણામાં અખૂટ ધીરજ જોઈએ. શાંત રહેવાથી ધીરજ કેળવી શકાય છે.

અધીરાઈ અને અસંતોષને કારણે આપણે વારંવાર ભૂલો કરીએ છીએ. ઘણી વાર તો એક જ ભૂલનું ઉપરથી પુનરાવર્તન પણ કરીએ છીએ.

આને કારણે સત્યના કિનારા ઉપરથી પાછા આવીએ છીએ. કોઈ દિવસ પાણી પીતાં નથી તે જ આપણી મોટામાં મોટી મુસીબત છે.

એક દિવસ પણ જો પાણી પિવાય તો કિનારાથી પાછા આવવાની ઈચ્છા થાય નહીં અને પછી વધઆરે ઊંડાણમાં જવાની અને સત્યનાં દર્શન કરવાની તાલાવેલી જાગે છે.

જીવનનો આ સાર છે, હેતુ છે. આ વાત બરોબર સમજી લઈએ પછી તો સ્વયં શાંતિથી અને આનંદથી જિવાય છે. આ સાચી સેવા છે, આ સાચી ભક્તિ છે.

સમગ્રમાં જીવવાનો આરંભ થાય છે એટલે બીજો આપણા જીવનમાં રહેતો નથી એટલે આપણામાંથી બીજાઓ પ્રત્યે પ્રેમ અને કરુણા સ્વયં વહે છે. આપણો સ્વભાવ બની જાય છે. આ આપણું સાચું સ્વરૂપ છે. એની અનુભૂતિ થાય છે.

જીવનમાં સાચે જ આ કરવા જેવું છે. પછી ગમે ત્યાં જાઓ, ફરો, તો શાંતિ અને સલામતી લાગશે. પછી કોઈ જગ્યાએ બંધાતા નથી કે કોઈને બાંધતા નથી.

આ વાત સમગ્રપણે જોવી અને જીવનમાં નિરંતર સંતોષ અને આનંદ અનુભવવો એ જ સાચું ધ્યાન છે.

Tags: , , , ,