સૂક્ષ્મ હિંસા

સત્યને સમજવા આપણે માનસિક રીતે પ્રયાસ કરીએ છીએ એટલે આપણા પોતાનાથી જુદા રહેવાય છે. આપણી અંદર સૂક્ષ્મ હિંસા ચાલુ રહે છે.

સરખામણી કરવાથી, પૂર્વ તૈયારી કરવાથી, પ્રયત્ન કરવાથી, પૂર્વગ્રહ રાખવાથી આપણો ‘હું’ આપણો અહમ્ હોય છે.

સૂક્ષ્મ હિંસાથી પણ જડતા આવે છે. આ વાત સમગ્ર રીતે વર્તમાનમાં જોઈએ અને સાંભળીએ તો સાચું, સ્વયં શિક્ષણ મળે. આવા શિક્ષણમાં કોઈ પૂર્વતૈયારી કે આયોજન કામ લાગતાં નથી. ઊલટું સત્યથી દૂર જવાય છે, વિમુખ થવાય છે.

જીવનના શિક્ષણના નિયમો સાવ જુદા છે. બૌદ્ધિક જ્ઞાન કે માહિતી કે જ્ઞાન પણ આવા શિક્ષણમાં ઉપયોગ ન નીવડે. ઊલટું એનો ભાર લાગે.

જ્ઞાન એટલે ખરેખર તો પ્રકાશ. જીવનના શિક્ષણમાં પ્રકાશનો અનુભવ થાય છે અને જોવા, સાંભળવા, શીખવાની સ્વયં તાલીમ એક સાથે ચાલે છે. કારણ કે આવા શિક્ષણમાં ક્યાંય કશો ભેદભાવ હોતો નથી. કોઈ નાનો-મોટો, જ્ઞાની-અજ્ઞાની, ગરીબ-તવંગર, સંત-દાનવ જેવો ભેદભાવ હોતો નથી. જીવનના શિક્ષણમાં મિત્રભાવે એકબીજા સાથે સહજ રીતે આપ-લે કરવાની હોય છે.

આમ ન કરીએ અને પ્રયાસ કે પૂર્વતૈયારી કરવામાં મચી પડીએ તો કદી તૃપ્તિ, આરામ કે ઠંડકનો અનુભવ થતો નથી, થવાનો પણ નથી, એ નક્કી સમજીએ.

‘હું’ ચાલુ રહેવાથી સત્યનાં દર્શન કદી થાય નહીં. જીવનમાં અથડામણો અને સંઘર્ષો જ ઊભાં થાય.

સૂક્ષ્મ અહમ્ પણ હોય ત્યાં સૂક્ષ્મ હિંસા રહેવાની અને આપણી ભૂલ આપણને છેતરીને ચાલુ જ રહેવાની.

શાંતિ અને સલામતી ગમે તેટલી શોધીએ પણ અહમ્ અને હિંસા, ભલે સૂક્ષ્મરૂપે, ચાલુ રહે તો ક્યારેય શાંતિ કે સલામતીનો અનુભવ થાય નહીં.

શબ્દોમાં જીવવાનું બંધ કરીએ તો આપણાં ભય અને દુઃખ ટળે. હિંસા બંધ થાય, અહમ્ ઓગળી જાય. આ બરોબર સમજીએ.

Tags: , , ,