સૂક્ષ્મ શોષણ અને હિંસા

શરીર અને મનને એક સાધન તરીકે જીવનમાં ન સાચવીએ તો આપણે આપણી જાતનું જ શોષણ કરતા રહીશું.

શરીર-મન સાથે મિત્રભાવ રાખી, આદરપૂર્વક સમજીને, એને સાચવવાનું છે. આ બન્ને સારા જીવન દરમિયાન બરોબર સહયોગ આપે એ જોવાનું છે.

આ સમજ હોવી, એ આપણો વિવેક કહેવાય. નહિતર સારા જીવન દરમિયાન આપણે શરીર અને મનનો ઉપભોગ કરતા રહીશું. પરિણામે જીવન દુઃખી બનશે અને ભયભીત રહીને જીવન વિતાવવું પડશે.

શરીર અને મન સ્વસ્થ હોય ત્યારે આપણે તર્કવિતર્કમાં રાચીએ છીએ અને વિરોધ, બચાવ, નિંદા, પ્રશંસા સતત કર્યા કરવાથી, આપણી વિવેકશક્તિ બુઠ્ઠી થઈ જાય છે. પરિણામે, સંવેદનશીલતા પણ ગુમાવીએ છીએ. પછી આપણે ફરિયાદ કરીએ કે સત્યનાં દર્શન કેમ થતાં નથી?

એટલે પહેલાં શરીર અને મનને સ્વચ્છ, તંદુરસ્ત અને શુદ્ધ રાખવાનાં છે. આ બન્ને સ્વસ્થ-સ્વચ્છ હશે તો જ સત્યની શોધ નિરંતર ચાલ્યા કરશે. મન-શરીર સાથ આપશે. બન્ને ખુલ્લાં થશે અને જીવન સ્વયં બધા રંગો બતાવશે.

આ સહજભાવે જોવું તે સાચું ધ્યાન છે. સાચું દર્શન છે. પછી મન-શરીર આપોઆપ શાંત બનવાથી આપણને જીવન જીવવામાં સહયોગ આપે છે અને જીવનયાત્રા સહજતાથી પૂરી થાય છે.

ખરેખર તો આ જ આપણા જીવનનો હેતુ છે. નહિતર જીવનમાં આપણે આપણી ઉપર સૂક્ષ્મ રીતે શોષણ અને હિંસા કરતા હોઈએ છીએ.

Tags: , , , , , ,