સાધન એ જ સાધ્ય

સત્ય સમજવા માટે કોઈ સાધન નથી કે કોઈ પદ્ધતિ કે રીત પણ નથી. સાધન એ જ સાધ્ય. સાધનને વધારે પડતું મહત્વ આપવાથી અથવા તેની સાથે એકરૂપ થવાથઈ તે સત્યને સમજવામાં બાધારૂપ બને છે અને પછી તે ક્રિયા કર્યા વગર ચાલતું નથી. તેના વિશે વિચારશીલ થવાતું નથી.

આપણા બાપદાદાઓ કરતા આવ્યા એટલે આપણે પણ એમના રસ્તે ચાલીએ છીએ અને વિચારવાનું છૂટી જાય છે, કારણ કે વિચારશીલ થવાથી ભય લાગે છે. એટલે સહેલું હોય, તૈયાર હોય એ આપણને ગમે છે અને તુર્ત જ એના પ્રત્યે ઢળી પડીએ છીએ. પછી સમગ્ર જીવન આદતોમાં, ઘરેડમાં, યાંત્રિક ક્રિયાઓમાં જ વિતાવીએ છીએ.

સાધનનો યોગ્ય ઉપયોગ છે. તેનો વધારે પડતો ઉપયોગ કરવાથી ઉપભોગ થાય છે અને ઉપભોગ કરવાની આપણને મજા આવે છે. એનાથી જરાય ઉપર ઊઠતા નહીં હોવાથી, આપણે પીડામાં અને અસંતોષમાં રહીએ છીએ.

ખરેખર સાધન એ જ સાધ્ય હોવું જોઈએ. સાધનની પૂજા કરવાથી આપણા જીવનમાં એકતા, સ્થિરતા આવતી નથી. એકતા અને સ્થિરતા નહીં આવવાથી સત્યનું દર્શન થતું નથી. સત્યનો સ્પર્શ નહીં થવાથી, આપણે જીવનમાં સુકાઈ અને ચીમળાઈ જઈએ છીએ. જેવી રીતે પાણીનું ટીપું દરિયાની બહાર રહે તો ઘડીભરમાં સુકાઈને અદૃશ્ય બને પણ દરિયામાં જ રહે તો હંમેશાં વિશાળતામાં અને ઊંડાણમાં રહે છે.

આપણે પણ સ્વભાવમાં, સ્વરૂપ રહીએ તો વિશાળતાનો, અખંડતાનો અને ઊંડાણનો નિરંતર સ્પર્શ રહે.

આપણે વ્યક્તિત્વમાં જીવીએ, વ્યક્તિ જ બની રહીએ તો સમાવિષ્ટનો સ્પર્શ થાય નહીં. સેવા, દાન કરવાથી પણ સમષ્ટિને બદલે વ્યક્તિત્વને જ મહત્વ મળે છે. ખરેખર તો આપનારો નહીં પણ લેનારો મહત્વનો છે. પણ આ તો આપણે મહત્વના બનીએ છીએ.

સત્ય સમજાવવા માટે કોઈ સાધન નથી, કોઈ માર્ગ નથી. સાધન કે માર્ગ ત્યાં કદી પહોંચી શકતાં નથી, કારણ કે જીવન અસીમ છે, અખંડ છે. સાધન અને માર્ગ મર્યાદિત છે.

આ વાત બરોબર સમજીએ.