જીવનની હરેક પળને નૂતન બનાવીએ

ભૂતકાળનો કદી સંગ્રહ ન હોય એટલે માહિતીજ્ઞાનનો પણ સંગ્રહ કરવો જોઈએ નહીં. આ સંગ્રહથી પણ ભાર લાગતો હોય છે. સંગ્રહ કર્યો હોય એટલે આપોઆપ સરખામણી થાય. હું વિદ્વાન, તમે અજ્ઞાની ! અને સરખામણીથી શિક્ષણનો અંત આવે છે.

એટલે રોજ જાગીએ ત્યારે નવી રીતે જાગીએ. માહિતીજ્ઞાનનો યોગ્ય ઉપયોગ છે પણ એનું વજન લાગે તો જીવનમાં હળવાશ અને નૂતનતાનો અનુભવ નહીં થાય.

સાચી સમજનો વિસ્તાર કરવાય સંગ્રહમાંથી મુક્ત રહીએ.

કોઈ કિનારા ઉપર નદી એના પાણીનો સંગ્રહ કદી કરતી નથી. એ તો ગતિશીલ રહી, સંગીત જન્માવી, નિરંતર વહે છે. એવું જ આપણા જીવનનું પણ સમજવાનું છે.

દરરોજ નવી રીતે જીવન જીવવાથી વર્તમાનમાં જિવાય છે. અને સરખામણી કરવાથી દૂર રહેવાય છે. મૌલિક જીવન, આપણું પોતાનું જીવન જિવાય છે અને પછી એકતાનો આરંભ થાય છે. આ જોવું એ જ ધ્યાન છે. સાચી સમજ છે. સાચી સમજ છે. સમગ્ર જીવન ધ્યાન છે.

ધ્યાન કરવા પછી પલાંઠી વાળીને બેસવું પડતું નથી કે એના માટે કોઈ પૂર્વતૈયારી પણ કરવી પડતી નથી.

પૂર્વ તૈયારીઓ જેમણે કરી છે, એમને પૂછો કે આંતરિક પરિણામ ક્યારેય આવ્યું છે ખરું? જાણતાં હોવા છતાં આપણે પૂર્વતૈયારી કરીએ છીએ. એટલે જીવન જીવવાનો આરંભ કદી થતો જ નથી. આ આપણી મુસીબત છે.

ખરેખર તો રોજ ગતિશીલ જીવનમાં ધ્યાનથી, જાગ્રત રહીને જોવું એ જ સાચું શિક્ષણ અને આચરણ છે.

સરખામણીમાં જીવન વીતી જાય તો દ્વંદ્વો જન્મ્યા જ કરે. યાત્રા અટકી પડે, નવીનતા-નીતનતા અનુભવાય નહીં.

Tags: ,