જીવન વહે છે – અખંડ, અસીમ

આપણું જીવન અખંડ છે. અસીમ છે. સમગ્ર છે. પૂર્ણ છે. જો આપણામાં ધીરજ આવો તો જીવનની ગતિ અખંડતા તરફ વહે છે.

ખરેખર જીવન અખંડ અને અસીમ છે. જેમાં ક્યાંક હું અ તું જેવા વિભાગો નથી. માનસિક રીતે હું તું છે એટલે ભેદભાવ છે. આંતરિક ખંડો છે.

હું-તું-તમે એ વ્યવહારમાં સમજવા માટેના શબ્દો છે. આંતરિક આપણે સૌ એક જ ચેતન તત્વથી સંકળાયેલા અને જોડાયેલા છીએ. ભીતરથી જુદા રહેવાય તેવું નથી. જુદા રહીએ છીએ કે જુદા પડીએ છીએ, એ આપણા પૂર્વગ્રહોને કારણે.

આ આપણી અજ્ઞાનતા અને અવિવેક છે. હૃદયથી સમજીએ તો આંતરિક રીતે એકતાના અનુભવો થાય અને પૂર્વગ્રહોના ગ્રહોથી-ગાંઠથી છૂટા પડાય.

સવાલ એ છે કે અખંડતા ક્યારે સમજાય અને કેવી રીતે અનુભવાય? તે જવાબ સાવ સરળ છે. આપણામાં જો બાહ્ય ઔપચારિકતાનો અંત આવે અને વ્યવહારમાં પ્રામાણિકતાથી જીવન જિવાય તો અખંડતા અને એકતાનો અનુભવ થાય અને એકતા આવવાથી જીવનમાં સાચું શું. ખોટું શું એનો વિવેક સ્વયં આવે અને આપણામાં શુદ્ધતા આવવાથી સત્યનાં દર્શન થાય અને પછી સત્ય સ્વયં આપણા ઉપર કામ કરે છે.

સત્ય એ જ ઈશ્ર્વર. સત્ય એ જ અનંત અખંડતા. પછી જીવનમાં કોઈ માનસિક કે ચિત્તલક્ષી પ્રશ્ર્નો રહેતા નથી. કારણ કે મોટામાં નાનું સમાઈ જાય છે અને આપણા જીવનમાં ધીરજ આવે છે. શાંતિ આવે છે. સુખ પ્રગટે છે. આનંદનો ઝરો વહે છે.

અધીરાઈ કરીએ તો સમય આવે અને સમય આવે એટલે ખંડિત બનીએ. વહેતા જીવનમાં સમયને ઓગાળી દઈને, અસીમ, અખંડ, અનંત, સત્યનાં દર્શન કરવાં એ જ આપણા જીવનનો હેતુ છે. એ જ સત્ય છે.

Tags: ,