આરંભ એ જ અંત

આપણા જીવનમાં આંતરિક રીતે ક્રાંતિની શરૂઆત થતી નથી, કારણ કે આપણી એ માટેની માનસિક તૈયારી હોતી નથી અને સમગ્ર જીવન કલ્પનામાં જિવાય છે. એટલે સંઘર્ષનો અંત પણ આવતો નથી.

આપણે જો માનસિક તૈયાર હોઈએ તો આજે, અત્યારે, આ ક્ષણે જીવનમાં ક્રાંતિ શક્ય છે, નહિતર કોઈ દિવસે નહિ.

આ પ્રશ્ર્ન વ્યક્તિગત છે. એટલે આરંભ પોતાનાથી કરવાનો છે. કોઈના વાદ લેવાના નથી. લઈ શકાય પણ નહીં. કોઈ આપણી સાથે ચાલે કે ન ચાલે, આપણે પોતે શરૂઆત કરવાની છે. જો હકીકતમાં-વાસ્તવિકતામાં જીવન જીવવાની શરૂઆત થાય તો આરંભ એ જ અંત જેવી વાત બને. પછી આપણા જીવનમાં બળાપાનો, ખોટા ઊહાપોહનો અંત આવે છે અને આપણી શક્તિનો, પ્રાણઊર્જાનો સંચય થાય છે.

શક્તિનો સંચય થવાથી જીવનમાં સંવેદનશીલતા અને સજાગતા આવે છે. સત્યનું સીધું દર્શન થાય છે. પછી આપણા જીવનમાં કોઈ ‘બોજો’ રહેતો નથી. એટલે આપણને અખંડતામાં અને વિશાળતામાં રમવાનો અને તરવાનો આનંદ આવે છે. આ આપણા જીવનનો અસલ, સાચો હેતુ છે અને યોગ્ય રીતે જીવન જીવવાથી આ શક્ય બને છે.

જીવનમાં પ્રામાણિક રીતે જીવવાથી આપણા પ્રશ્ર્નોના આપોઆપ ઉકેલ આવે છે અને જીવન હળવુંકૂલ બની રહે છે. પછી જીવનમાં સારું શું અને નરસું શું, એ સહજપણે સમજીને ગ્રહણ કરી શકાય છે.

મૂળ વાત આવું જીવન જીવવાની આપણી ભૂખ કેટલી તીવ્ર છે, એના ઉપર બદો આધાર છે.

સાચી ભૂખ હોય તો શબ્દો કે ઉપદેશોમાં કદી જીવન જિવાય નહિ. કેવળ વિદ્વત્તાભરી વાતો, વ્યાખ્યાનો કે કથાઓથી ક્રાંતિ આવે નહિ.

આ બરોબર સમજી લઈએ.

Tags: