શ્રી વાલજીભાઈ વિષે

શ્રી વાલજીભાઇ (પટેલ)ના આત્મનિષ્ઠ વ્યક્તિત્વનો પૂરો અણસાર એમનો એક જ લેખ વાંચવાથી કે એમની સાથેની અંતરંગ મુલાકાતથી જ આવી જશે.

એમની વાતો અખંડ અને અસીમ છે, કદી ખૂટશે નહીં.

એમની વાતોમાં સીધું, પારદર્શક દર્શન છે. જેમનામાં સહેજ સરખી ચિનગરી હશે, એમને વાલજીભાઇ પારસમણિ જેવા પુરવાર થશે.

સંપૂર્ણ સજાગતા સાથે વર્તમાન ક્ષણ જ હંમેશા જીવતા શ્રી વાલજીભાઇની વાણીમાં અને વાતોમાં પ્રેમ અને કરુણાનો સ્પર્શ હોય છે. વાતો સાંભળનારને એ ભીંજવી દે છે. એમના શ્બ્દોમાં સહજતા અને સરળતા છે, તેથી જ એમની વાતો સ્પર્શે છે.

સાંભળવું એ સેવા છે, એ શ્રી વાલજીભાઇનો જીવનમંત્ર છે. તેથી જ સૌની વાતો પ્રેમ અને કરુણા સાથે એ સાંભળતા હોય છે.

આપણું રોજબરોજનું જિવાતું જીવન એ જ શ્રી વાલજીભાઈ માટે સૌથી મહત્વ્ની કહો કે, એકમાત્ર મહત્વની વાત છે. કારણ કે એમણે પોતે એમના જીવનને પૂર્ણ સ્વચ્છ, શુદ્ધ, પ્રપંચ વગરનું, નિ:સ્વાર્થ અને કોઈ પણ પ્રકારની આશા-અપેક્ષા કે લોભ-મોહ-માયા વગરનું કંડારી દીધું છે.

શ્રી વાલજીભાઈમાં વિવેક સદા જાગ્રત હોય છે. યોગ્ય, માપસર, તોલીને જીવનનો અને સંસારનો વ્યવહાર કેમ કરી શકાય એ એમણે શીખી લીધું છે.

શબ્દો, વિચારો કે વ્યક્તિઓને યોગ્ય મહત્વ આપે છે. પણ શ્રી વાલજીભાઈ કશામાં આસક્ત થતા નથી. તેથી જ જીવનના ઊછળતા મહાસાગરમાં તેઓ આપણી સમક્ષ દીવાદાંડી રૂપે નિરંતર પ્રકાશ ફેલાવતા રહે છે.

શ્રી વાલજીભાઈના પ્રત્યક્ષ કે પરોક્ષ પરિચયમાં આવવું એ જીવનનો અનેરો લ્હાવો છે.

-        મિત્રવર્તુળ