શોષણ

સ્વજ્ઞાન વગર જે કાંઈ કરીશું એ વાસ્તવિક રીતે હિંસા અને શોષણને જ ઉત્તેજન આપશે. જેમ કોઈનું શોષણ કરવું ખોટું છે તેમ કોઈને આપણું શોષણ કરવા દેવું તે પણ અયોગ્ય છે. આજે સમગ્ર જગત શોષણ ઉપર નભી રહ્યું છે ત્યારે અલિપ્ત અને શોષણરહિત કેમ જિવાય એ શીખીએ.

પ્રેમ

પ્રેમનું નામ છે આપવું, હંમેશાં આપવું, બધું જ આપવું. પ્રેમમાં લેવાનું હોય જ નહિ અને આપો એટલે મળે જ. આ કુદરતી નિયમ છે. પ્રેમ હંમેશાં પૂરક જ હોય. પ્રેમની શાખા એટલે કરુણા. અપાર કરુણા, પ્રેમ એટલે પારસમણિ. આપવાથી વધતો જ જાય.

સજાગતા

સજાગ રહેવાનો જો સતત ખ્યાલ રાખવો પડતો હોય તો એ પણ જીવન જીવવામાં અવરોધરૂપ બને છે. પળેપળે મરતાં અને જીવતાં આવડી જાય તો જાગૃત જ રહેવાય. આપણામાં સહજપણે શક્તિ, વિશ્વાસ અને મુક્તિ ભીતરથી પ્રગટે.

વિશ્વાસ

વિશ્વાસ એ જ ભગવાન. જો જાત ઉપર વિશ્વાસ આવે તો બધાના ઉપર વિશ્વાસ આવે. જો પોતાનામાં વિશ્વાસ ન હોય તો કોઈના પર વિશ્વાસ ન આવે. વિશ્વાસ જાગે તો સહજતા આવે, જીવનમાં રિધમ આવે. જીવનમાંથી પસાર થતાં થતાં જ વિશ્વાસ જન્મે છે અને તે ક્ષણિક નહિ, શાશ્વત હોય.

સમગ્રતા

સમગ્રતામાં જીવવું એ જ આપણા જીવનનો સાર છે, એ જ સાચું ધ્યાન છે, સાચું શિક્ષણ છે, સાચી સેવા છે, સાચી આંતરિક યાત્રા છે. આ યાત્રા આખું જીવન ચાલતી રહે છે અને પરિણામે આપણામાં શક્તિ, સ્ફૂર્તિ આવ્યા કરે છે.

વર્તમાન

વર્તમાનમાં આપણે બીજાને સાંભળતા નથી, એટલે આપણામાં સહજત્વ, સરળતા, નમ્રતા આવતી નથી. ખંડિત સાંભળવાથી આપણામાં સ્મૃતિનો સંચય થાય છે અને પછી એના ઉપર મંથન, ચિંતન ચાલ્યા કરે છે, બસ, આપણો વર્તમાન આમાં જ ખર્ચાઈ જાય છે.

સમજ

કોઈ પણ વ્યક્તિનો આપણે ચિત્તલક્ષી દૃષ્ટિએ ઉપયોગ કરવો નહિ કે કરવા દેવો પણ નહિ. કોઈનાથી પ્રભાવિત થવું નહિ કે પ્રભાવિત કરવા પણ નહિ. આ સમજ જાગતાં હોઈશું તો આવશે અને જીવનમાં સ્થિરતા પણ સાથે આવશે.

સંબંધ

આપણી પોતાની જાત સાથે સંબંધ નથી એટલે ભય અને દુઃખ લાગે છે અને કંટાળો આવે છે. બધી ઈન્દ્રિયોનો સહયોગ મળે, એ માટે સ્વ સાથે સંબંધ થાય એ જરૂરી છે. સંબંધ એટલે સંતુલન, એકતા, સમગ્રતા.

મૃત્યુ

જીવતાં જીવતાં પોતાની જાત પ્રત્યે મરી જવું એટલે કુદરત સાથે એક થઈ જવું પછી શારીરિક મૃત્યુનો ડર ન રહે કે એનું દુઃખ ન થાય. હકીકતમાં શરીરનું મૃત્યુ એ મૃત્યુ જ નથી. આસક્તિનું મૃત્યુ એ જ ખરું મૃત્યુ છે.

મૌન

હંમેશાં સત્ય બોલવાથી વિચારોનો, વ્યર્થ પ્રયત્નોનો અંત આવે છે અને જીવનમાં મૌનની અનુભૂતિ થાય છે, પરિણામે જીવનમાં શાંતિ પ્રવેશે છે. હકીકતમાં મૌન અને શાંતિ એ આપણો સહજ સ્વભાવ છે, સ્વરૂપ છે.