કેફિયત

હું ખેડુત પરિવારનું સંતાન છું. ઇશ્વર આસ્થાના વાતાવરણમાં ઉછર્યો છું. પ્રાથમિક શાળાના સાતમાં ધોરણ સુધીનું મારું શિક્ષણ છે.

૧૮ વર્ષની ઉંમરે વતનગામ સંડેર (જીલ્લા મહેસાણા) છોડ્યુ અને વડોદરા આવ્યો.સંબંધીની દુકાનમાં થોડા સમય માટે નોકરી કરી અને અનાજ કરિયાણાની સ્વતંત્ર દુકાન ખોલી. ધંધાની હથોટી આવી.વધુ નફાખોરીની લોભવ્રુતિ સળવળી એટલે અનાજના લોટમાં અને સિંગતેલમાં ભેળસેળ કરી વેચવાનું ચાલ્યું. કોર્પોરેશનના અધિકારીએ દુકાનમાંથી સેંપલ લઈ તપાસ આદરી. અમે દોષિત ઠર્યા. મામલો કોર્ટે ગયો. અમે અસ્વસ્થ થયા. હ્રદયમાં પશ્ચાયાતાપ થવા માંડયો.

આચાર્ય રજનીશ અને શ્રી જે. ક્રુષ્ણ્મૂર્તિના વિચારોનો પરિચય થયો. આધ્યાત્મની જીજ્ઞાસા જાગી. થીયોસોફી સોસાયટીમાં શ્રી રણછોડભાઇ પટેલનો પરિચય થયો. એમના મુકામ પર પહોંચ્યો. એમનો પ્રત્યક્ષ સત્સંગ મને ફળ્યો. હું નિર્ભિક બન્યો. આત્મવિશ્વાસ આવ્યો, અને કોર્ટમાં ગુન્હો કબુલી લીધો. જજ સાહેબને મારી સચ્ચાઇ સ્પર્શી ગઇ હશે તેથી જ કદાચ મારા વકીલને ઉપલી કોર્ટમાં અપીલ કરવાની સલાહ આપી. અમે ઉપલી કોર્ટમાં કેસ જીત્યા. હાઇકોર્ટ્માં કોર્પોરેશને અપીલ કરેલી છે. સત્તર વર્ષ થઇ ગયા છે. નિર્ણય જે આવવો હોય તે આવે. હું સમાજમાં જીવું કે જેલવાસ ભોગવું, હું બધી સ્થિતીઓમાં મુક્ત આત્માં છું એવો મને દ્રઢ અહેસાસ થયા કરે છે.

તારીખ ૨/૫/૮૪ ની મધરાતે મારો નવો જન્મ થયો. સુષુપ્તીમાં મને તેજનો ઝબકારો જણાયો, અને તે પળથી આજપર્યન્ત હું હળવો ફુલ જેવો બની ગયો છું. રાગ-દ્વેષ, ચિંત-ભિતી, ક્રોધ –લોભ જેવી ઢંદ્ધાત્મક ચિત્તસ્થિતી શમી ગઇ છે. સમરસની દ્રષ્ટીથી જીવવા માંડયુ છે. સાત્વીક શાંતીની વિચારધારાઓ સહજ વહ્યા કરે છે.

મૈત્રીભાવે સૌની સાથે હળવું, મળવું અને ભળવું એ મારું જીવન છે.