સત્ય હંમેશાં નિરપેક્ષ હોય છે. આખું જીવન આપણે જ્ઞાતમાં જીવીએ છીએ તેના કારણે ભાગલા પડવાના અને બુદ્ધિના તર્કથી ચર્ચાઓ ચાલ્યા કરવાની. જીવન વ્યાખ્યાઓમાં જ ખોવાઈ જવાનું. જ્ઞાત અને અજ્ઞાતથી જે પર જીવન છે એને અનુભવીએ તો જ જીવનના સૌંદર્યને પામી શકીએ.
સત્ય પામવાની કોઈ પદ્ધતિ નથી
સત્ય સમજવાની કોઈ રીત કે પદ્ધતિ નથી. ઊટલું, રીત અને પદ્ધતિ સત્ય સમજવામાં અવરોધ છે. છતાં આપણે રીત ને પદ્ધતિમાં જ રચ્યાપચ્યા રહીએ છીએ અને તેના આધાર ઉપર સમગ્ર જીવન જીવીએ છીએ.
જીવનને સમજવા માટે સંવેદનશીલતા જોઈએ
કોઈપણ વ્યક્તિ સાથે તર્ક અને દલીલો કરવાથી પોતાની જાત સાથે અવધાન આવતું નથી. ઊલટું, જીવનમાં જડત્વ આવે છે અને જડતાને કારણે જીવનનાં રહસ્યો ઉકેલાતાં નથી.
તર્ક એટલે ગૂંચવાડો
આપણે ઘણુંખરું બુદ્ધિનો ઉપયોગ તર્ક તથા દલીલો કરવામાં કરીએ છીએ. તેથી આપણે આપણા મૂળ સ્વભાવથી અને સ્વરૂપથી જુદા પડી જઈએ છીએ.
જાતનો સ્વબચાવ અને જાતથી સંતાકૂકડી રમવામાં બુદ્ધિનો આપણે ઉપયોગ કરતા હોવાથી જીવનભર આપણી જ બુદ્ધિ આપણને જાતજાતની રમતો રમાડે છે અને પછી તો આપણને પણ મજા આવે છે અને એક આદત બની જાય છે.